Pages

Tuesday, September 22, 2020

વિકૃત માનસની ગંદકી - બળાત્કાર

 

વિકૃત માનસની ગંદકી - બળાત્કાર

"औरत की मरजी हो या ना हो, मर्द अपने शरीर की भूख मीटा ही लेता હૈ” “અસ્તિત્વ' ફિલ્મમાં તબ્બુનો આ સંવાદ પુરુષપ્રધાન સમાજના મોં પર તમાચા સમાન છે! સ્ત્રીને શક્તિ કે માતાનું રૂપ ધર્મપાખંડ માત્ર છે. સ્ત્રીને ઉપયોગ કરવાનું સાધન સમજતા પુરુષો પોતાનું આધિપત્ય સાબિત કરવા માટે ધણી, નાથ, કે પતિ પરમેશ્વર બની સમાજમાં સ્ત્રીઓને નીચી દેખાડવાનું જોમ પૂરું પાડે છે.

બળાત્કાર, છેડતી કે જાતીય શોષણ વૈશ્વિક સમસ્યા હોવા છતાં ભારતમાં તે વિકરાળ બની રહી છે. બળાત્કારને આપણે બળપૂર્વક થતો ગુનો સમજીએ છીએ પણ હકીકતમાં મોટેભાગે તે લોભ, લાલચ, છેતરપિંડી, સ્ત્રીની પરિસ્થિતિનો ફાયદો ઉઠાવીને, બ્લેક મેઇલ કરીને કે જાળમાં ફસાવીને આચરવામાં આવે છે જેને આપણે બળાત્કાર ગણતા જ નથી. ભારતમાં દર ૨૦ મિનિટે એક બળાત્કાર થાય છે. આ આંકડો નોંધાયેલા બળાત્કારોનો છે. વણનોંધાયેલા અને પ્રચ્છન્ન પ્રકારના બળાત્કારનું પ્રમાણ ઘણું મોટું છે. આઝાદી પછીની આ સૌથી મોટી સંખ્યા છે, જે દિવસે દિવસે વધતી જ જાય છે. બળાત્કાર સાથેની શેતાની ક્રૂરતા રૂંવાડા ખડાં કરી દે એવી હોય છે. આટલું ઘાતકીપણું તેમનામાં આવે છે ક્યાંથી? આ માટે માત્ર સરકાર કે તંત્રને દોષ દેવો યોગ્ય નથી. ત્રાસવાદ કરતાં પણ બળાત્કાર દેશની સૌથી મોટી સળગતી સમસ્યા છે. આપણી કરૂણતા એ છે કે જયારે બળાત્કાર થાય ત્યારે બંને પક્ષનો ધર્મ અને જાતિ જોઇને વિરોધ કરવો કે ના કરવો તે નક્કી થાય છે. આપણે ક્યાં જઇને અટકીશું ?

બળાત્કાર માટેનાં જવાબદાર પરિબળો :

૨૦૧૧ની વસ્તી ગણતરી મુજબ ૦ થી ૬ વર્ષના બાળકોમાં દર ૧૦૦૦ છોકરાઓ સામે માત્ર ૯૧૪ છોકરીઓનું પ્રમાણ છે. આ માટે બાળકીની ભૃણહત્યા જવાબદાર છે. દૂધ પીતી કરવાનો રિવાજ ભલે પ્રતિબંધિત થયો પણ દહેજપ્રથાના દૂષણના પાપે આ ક્રૂર હત્યા આજે પણ ચાલુ જ છે. બેરોજગારી અને શહેર તરફનું સ્થળાંતર વિકરાળ બન્યું છે. આથી શહેરમાં ગુનાઓનું પ્રમાણ વધતું જાય છે. બેરોજગારીને લીધે યુવાનોને સ્ત્રીપાત્ર મળવું મુશ્કેલ બન્યું છે. આર્થિક કટોકટી અને મોંઘવારીમાં જીવવું અઘરું છે, આથી તેઓ માનસિક વિકૃતિનો ભોગ બને છે અને કોઇપણ ગુનો આચરતાં ડરતા નથી.

વર્ણપ્રથા આધારિત જાતિવાદને લીધે કહેવાતી ઊંચી જાતિના લોકો તેમનો મોભો જાળવી રાખવા કહેવાતી નીચી જાતિની સ્ત્રીઓને ભોગવવી તેમનો અધિકાર માને છે. આમ કરીને તેઓ પરંપરાઓ જાળવી રાખવા પ્રયાસ કરે છે. કહેવાતા પછાતવર્ગની સ્ત્રીઓને તેઓ પોતાની મોજમસ્તી માણવાનું સાધન ગણે છે.

પિતૃસત્તાક સમાજમાં મહિલાઓને બીજા દરજજાનું સ્થાન છે. કોઇપણ ઉજવણી, પ્રસંગ કે સમારંભમાં મહિલાઓને નામ પૂરતી જગ્યા આપવામાં આવે છે. અનેક કાયદાઓ બન્યા હોવા છતાં સ્ત્રી પુરુષ ભેદભાવ લગભગ દરેક સ્તરે જોવા મળે છે. પુરુષો સ્ત્રીને વસ્તુ ગણે છે, ભોગવટાનું સાધન જ ગણે છે.

દરેક ધર્મમાં મહિલાનું સ્થાને નીચું જોવા મળે છે. ખ્રિસ્તીધર્મમાં સ્ત્રીને પુરુષની પાંસળીમાંથી પેદા કરવામાં આવી હતી. આદમે હેવાના કહેવાથી ઇશ્વરે મના કરેલું ફળ ખાધું અને પાપ કર્યું! મુસલમાનોમાં મહિલાઓને બુરખામાં કેદ કરવામાં આવી છે. મનુસ્મૃતિમાં કહેવામાં આવ્યું કે, ‘ઢોલ, ઢોર ઔર નારી તાંકે અધિકારી'. સીતાની અગ્નિપરીક્ષા કરાય છે અને દ્રૌપદીના પાંચ પતિઓ તેણીને જુગારમાં હારી જાય છે. દરેક ધર્મમાં આશારામ છાપ અનેક બાવાઓ, ધર્માચાર્યો બળાત્કાર કરવા માટેના અડ્ડાઓ ખોલીને બેઠા છે, જેમને સત્તાનો ટેકો મળતો રહે છે.

Association for Democratic Reforms (ADR)ના રિપોર્ટ પ્રમાણે વર્તમાન બીજેપી સરકારમાં ૪૨% સામે ક્રિમીનલ કેસો છે જયારે ૨૦ જેટલા સાંસદો અને વિધાનસભ્યો સામે બળાત્કારના ગુનાઓ નોંધાયેલા છે. આટલા મોટા પ્રમાણમાં ગુનાઇત લોકો સત્તામાં બેઠા હોય તો તેમના મળતિયાઓ, દલાલોને ગુનો આચરવાની કોઇ બીક હોય ખરી? સત્તામાં ગુનેગારોની સંખ્યામાં સતત વધારો થતો રહે છે જે બળાત્કારીઓ માટે ઢાલરૂપ કામ કરે છે. તેમને ના તો પોલિસનો, ના સત્તાનો કે ના કાયદાનો ડર હોય છે. લગભગ દરેક પક્ષમાં વધતા ઓછા પ્રમાણમાં ગુનેગારો હોય છે જ. કઠુઆ બળાત્કારીઓના ટેકામાં યોજાયેલ રેલીમાં ભાજપના બે મંત્રીઓ જોડાયેલા! બીજેપીનાં સાંસદ કિરણ ખેર, કહે છે કે, ‘બળાત્કાર ભારતીય સંસ્કૃતિનો ભાગ છે જે આજથી નહિ પણ વર્ષોથી ચાલે છે.

દેશમાં માનવીય મૂલ્યોનું પતન થઇ રહ્યું છે. યુવાવર્ગ ભૌતિકતા તરફ આંધળી દોટ મૂકી રહ્યો છે. કુટુંબ, સમાજ, ધર્મ કે શૈક્ષણિક સંસ્થાઓમાં મૂલ્ય શિક્ષણ કે સંસ્કાર મળતા નથી. પોતાની સ્કૂલમાં ભણેલા વિદ્યાર્થી સારા માર્ક્સ મેળવે તેની કાળજી લેવાય છે પણ સારા નાગરિક બને તેની કાળજી કે તાલીમ હોતી નથી. આ માટે સરકાર પાસે કે શૈક્ષણિક સંસ્થાઓ પાસે કોઇ કાર્યક્રમ જ નથી. શિક્ષકોને સરકારે તેમના કલાર્ક બનાવી દીધા છે અને સ્કૂલોમાં બિનજરૂરી કાર્યક્રમો ઠોકી બેસાડયા છે. સરકારી કાર્યક્રમોમાં સ્કૂલોનો દુરુપયોગ કરવામાં આવે છે. વિદ્યાર્થી ભલે પરીક્ષામાં નાપાસ થાય પણ તેનામાં નૈતિક મૂલ્યો હોય તો દેશની મૂડી બને છે. દેશને હોંશિયાર યુવાનો કરતાં મૂલ્યનિષ્ઠ યુવાનોની તાતી જરૂર છે.

 

રસ્તા પર જાહેરમાં કોઇ છોકરીની છેડતી થતી હોય તો કોઇતેને રોકવા તૈયાર નથી.મારે શું?’ નું વલણ જોવા મળે છે જેનાથી અસામાજિક તત્વો બેફામ બન્યાં છે. બળાત્કાર કે છેડતી રોકવી એ માત્ર પોલીસ કે તંત્રનું જ કામ નથી. લોકોએ જાતે જવાબદારી લેવી પડશે, આગળ આવવું પડશે. સામાન્ય રીતે ઘણાને અમુક યુવાનોની ગુનાઇત પ્રવૃતિઓની ખબર હોય છે છતાં તેઓ તેમનાં માબાપ કે પોલિસને આ અંગે જાણ કરતા નથી. આથી આવા અસામાજિક તત્વોને કોઇનો ડર હોતો નથી.

ભારતમાં સેક્સને પાપ, ગંદુ, ખરાબ અને અનૈતિક ગણવામાં આવે છે. આથી સેક્સને છુપાવાની વૃતિથી તે વકરે છે. સેક્સ એ કુદરતી સર્જન છે જે ખરાબૂ નથી. જાતીયતા પ્રત્યેના નકારાત્મક અભિગમ સામે જાગૃતિનો અભાવ જોવા મળે છે. કોઇ આ બાબતે જાહેરમાં વાત કરવા માંગતા નથી. આથી સેક્સ પ્રત્યે ઘણી બધી ગેરસમજો અને સમસ્યાઓ ઉભી થાય છે. ઇન્ટરનેટને લીધે બીભત્સ વીડિઓ, ફિલ્મો, જોક્સ જોવાથી માનસિક વિકૃતિઓ જન્મે છે. સેક્સ શારીરિક હોય ત્યાં સુધી બરાબર છે પણ જયારે તેની વિકૃતિ માનસિક બની જાય છે ત્યારે વ્યક્તિ રાતદિવસ માનસિક રીતે તેના વિચારોમાં જ જકડાયેલો રહે છે, જેને લીધે તે અધમ કૃત્ય કરતાં અચકાતો નથી.

બળાત્કાર-જાતીય શોષણ રોકવા માટેનાં કેટલાંક કારગર પગલાં :

શૈક્ષણિક સંસ્થાઓમાં જાતિય શિક્ષણ સાથે માનવીય મૂલ્યોની તાલીમ ફરજિયાત કરવી જોઇએ. સેક્સ પ્રત્યેની માનસિકતા અને તેની સમસ્યા અંગે યુવાવર્ગને જાગૃત કરવાની સાથે યુવતીઓને સ્વબચાવ અંગેની તાલીમ ફરજિયાત આપવી જોઇએ. યુવતીઓએ વિપરીત સમયે ખાસ કરીને રાતના સમયે સલામતીનાં પગલાં લેવાં જરૂરી છે. કોઇની ઉપર આંધળો વિશ્વાસ મૂકવો જોખમકારક હોય છે. માબાપે પોતાના દીકરાઓ બાબતે સચેત રહેવાની જરૂર છે. તેઓ ક્યાં જાય છે, તેમના મિત્રો કોણ અને શું કરે છે તેની જાણકારી મેળવી લેવી જોઇએ. ફક્ત કાયદાઓ કડક કરવાથી જ નહિ પણ જાહેર જીવનને, રાજકારણને અને ધર્મને સ્વચ્છ બનાવાની તાતી જરૂર લાગે છે.

સરકારેસ્વચ્છ ભારત અભિયાન' સાથેસ્વચ્છ માનસ અભિયાનચલાવવાની જરૂર છે. બળાત્કારીઓ અને ગુનેગારોને ચૂંટણી લડવા બાધિત કરવા માટેના કાયદાઓ કરવા સાથે રાજકીય પક્ષોએ આવા લોકોને ટિકિટ ના આપવી અને લોકોએ પણ આવા લોકોને મત ના આપવા જોઈએ. જ્યાં સુધી લોકો પોતે આ બાબતે જાગૃત નહિ બને અને તેને રોકવા જાતે જ પગલાં નહિ ભરે ત્યાં સુધી આ દૂષણ નહિ જાય. જાહેર નીતિમત્તા જળવાય, દેશમાં ભયનો માહોલ દૂર થાય તે જોવાની જવાબદારી લોકોની, સરકારની અને તંત્રની છે. મૂલ્ય શિક્ષણ, રોજગારી, કારકિર્દી માર્ગદર્શન, ગુણવત્તાવાળું શિક્ષણ જેવી બાબતોને સરકાર પ્રાથમિકતા આપે તો યુવાવર્ગમાં અસલામતીની ભાવના દૂર થાય, તેઓને નવી દિશા મળે અને અસામાજિક પ્રવૃત્તિઓ તરફ જતા અટકી શકે છે.નવરા નખ્ખોદ વાળે’, જેથી યુવાવર્ગને સામાજિક અને રચનાત્મક પ્રવૃત્તિઓમાં જોતરવા પડશે.

No comments:

Post a Comment