1.
નેતા બન્યો મારો મિત્ર લાલ્યો
=====================
હું
એને ફોન ના કરુ તો એને ખોટું લાગી જતુ પણ હવે મારો ફોન ઉપાડતો જ નથી અને કોઇક વાર
ઉપાડી લે તો બીઝી છું ફરી ફોન કરીશ કહીને વટથી ફોન કાપે. વળી કોઈવાર મીટિંગ કે
સેમિનારમાં છુ એમ ધીમા અવાજે કહીને ધડાક ફોન કાપે. એકવાર ઝડપથી ફોન ઉપાડ્યો પણ
થાકેલા અવાજે બોલ્યો હમણાં જ દિલ્હીથી ફ્લાઈટમાં આવ્યો. આરામમાં છું. ફરી વાત કરીશ
કહીને ફોન કાપ્યો.
અમે
સહકાર્યકર. લાંબી વાતો કરતા પણ હવે તે તાજો નેતા બન્યો છે. આ વખતે તેનો ફોન તેના
માણસે ઉપાડયો. મેં કહ્યું હાય લાલ્યા શું ચાલે છે યાર ........... વાત પૂરી થાય તે
પહેલાં રોન્ગ નંબર કહીને ફોન કાપ્યાે. મેં ફરી રીંગ કરી અને પૂછયું તો કહ્યુ - આ
તો લાલજીભાઈસાહેબનો નંબર છે, સાહેબ
બીઝી છે. અપોઇન્ટ લેવી પડશે.
તેના
એક સાથીદારને સોગંદ દઈને પૂછ્યું તો કહે નવરોધૂપ છે પણ નેતાનુ ભૂત વળગ્યું છે. હવે
તો સહી પણ લીલા રંગથી જ કરે છે. મીંટિગોમાં પણ ભાડાની કાર લઈને આવે છે. રાજય
બહારના કાર્યક્મોમાં પોતાના ખિસ્સાના પૈસાથી ફ્લાઈટમાં ફરે છે. ખેતર વેચી નાખ્યું
છે. પત્ની તેના આ બદલાવથી પરેશાન છે. હવે તો કુટુંબ સાથે
બેસીને
ખાતો પણ નથી. ડાઈનીંગ ટેબલ નથી તોય સાહેબ ટીપોઈ પર એકલા જમે છે. લવ મેરેજ કરેલી
પત્ની લે-લાય કહેતી, હવે સાહેબ કહેવડાવે છે. રસ્તામાં
ઓળખીતા મિત્રો મળે તો બે હાથ જોડીને નેતાની અદાથી અભિવાદન કરે છે અને સનસનાટ નિકળી
જાય છે.
મારો
“લાલ્યો” નેતાના ખોળીયામાં ગુગળાતો હશે. તેનુ રૂદન હું સાંભળી શકું છે. તમે?
------------------------------------------------------------------------------------------------------
૨. પરોઠાની
પળોજણ
==============
મારા મિત્ર લાલાને હું એક સામાજિક સભાનતા
સેમિનારમાં ભાગ લેવા લઈ ગયો. સારી એવી માહિતી આપવામાં આવી. લાલો ખુશ થઈ ગયો. કદી
ના જમ્યા હોય તેવાં વ્યંજનો પીરસવામાં આવ્યાં. તેમાં ત્રિકોણ રોટલીથી લાલાને આશ્ચર્ય થયું. રસોઈ બનાવનારને પૂછીને તેનું નામ
“પરોઠું” છે તે જાણી લીધું.
સેમિનારમાં જે શીખાડવામાં આવ્યું તેમાં લાલાને
રસ ના પડ્યો પણ લાલાને પરોઠામાં રસ પડ્યો. ઘેર આવીને લાલાએ તેની પત્નિને ત્રિકોણ
રોટલી બનાવવા કહ્યું. પત્નિએ પ્રયત્ન
કર્યો પણ જોઈએ તેવો આકાર ના આવ્યો. લાલાએ સેમિનારના ભોજનને આંબી જવાનો નિર્ધાર
કર્યો. બીજા દિવસે આ પરોઠાને ચોરસ, વળી અન્ય દિવસે લંબચોરસ, ગોળ વચ્ચે મોટા કાણાંવાળી એમ પ્રયોગો ચાલ્યા. આ ભૂમીતિજન્ય પરોઠાના
ઓડરથી પત્નિ બિચારી પરેશાન થઈ ગઈ. સેમિનારવાળાને ભાંડવા લાગી - મારા પતિને બગાડ્યો
નખ્ખોદ જાય સેમિનારવાળાનું.
------------------------------------------------------------------------------------
૩. પકોડા
કિંગ લાલો
===========
લાલાએ
મોદીનો પકોડા - Make in
India કાર્યક્રમ ઉપાડી
લીધો.
હવે
લાલાને સ્વરોજગારનો કીમિયો મળી ગયો. તેણે “પકોડાંજલિ”ના નામે પકોડાની પ્રોડક્ટ
બજારમાં મૂકી દીધી. “પકોડાંજલિ”ના પકોડાને
આધારકાર્ડ સાથે જોડવા સાથે તેણે રાષ્ટ્રીય નાસ્તો જાહેર કરવા અભિયાન
ચલાવ્યું. આ અભિયાનમાં બેકાર યુવાફોજને
ધંધે લગાડી. સ્કૂલ, કોલેજ, બજાર, હોટેલો. કેન્ટીનો, બેંકો, સરકારી ઓફિસો,
વગરે જગ્યાએ પકોડા ફરજીયાત કરાવવા
હીંસક આંદોલનો કરવા માંડ્યા. યુવાઓને રોજગારી આપવાનું વચન આપ્યું. આ અભિયાનમાં
જોડવા માટે તેણે missed
call દ્વારા સભ્યો
બનાવવાનું શરુ કર્યું. નક્કી કરેલ દરેક સ્થળોએ પકોડા ફરજીયાત ખાવા માટેનું એલાન
કર્યું. જે લોકો પકોડા ના ખાય તે
દેશદ્રોહી હોવાની જાહેરાત કરી. તેણે “પદ્માવત્તી સ્ટાઈલ” અપનાવી. બેકાર લુખ્ખાઓને
કામે લગાડ્યા. ધમકીઓ આપી ને “અહિ પકોડાંજલિનાં પકોડા ખવાય છે” એવાં બોર્ડ લગાડવા
બળજબરી કરી. જે બોર્ડ ના લગાવે ત્યાં તોડફોડ કરવા માંડી. લોકો ગભરાયા અને બોર્ડ
લગાડવા માંડ્યા.
પકોડાંજલિનો
પડઘો સમગ્ર દેશમાં પડ્યો. તેના આ
અભિયાનમાં બાબા રામદેવ અને અન્ના હજારેને જોડાવા અપીલ કરી. દેશમાં આઝાદી પછીનું આ
સૌથી મોટું આંદોલન બનાવવા કમર કશી. પકોડાંજલિની અન્ય પ્રોડક્ટ પણ ટુંક સમયમાં
બજારમાં મૂકવાની જાહેરાતો આપવા માંડી. આ
માટે તેણે અમિતાભ બચ્ચનને બ્રાંડ એમ્બેસડર બનાવવા આમંત્રણ આપ્યું . ”સિર્ફ એક ડીસ
પકોડા...જિંદગી કા” સ્લોગન બનાવી દીધું.
પકોડાં
અંગે રાજ્યસભામાં અમિત શાહને ભાષણ કરવા અનુરોધ કર્યો. પકોડાના પ્રતીક તરીકે અમિત શાહના ફોટાનો
કલાત્મક રીતે ઉપયોગ કર્યો. હવે લાલો લાઇમ
લાઈટમાં આવી ગયો. લાલાને કોઈ ઓળખતું
નહોતું તે લોકો પણ હવે લાલાને “પકોડા કિંગ” તરીકે ઓળખવા લાગ્યા. તે બેકારોનો
પ્રેરણાસ્ત્રોત બન્યો.
હવે
તેણે જુદા જુદા રોગ માટે જુદા જુદા પકોડા તૈયાર કરવા માંડ્યા. જેમાં આયુર્વેદનો સહારો લીધો. જુદા જુદા દ્રવ્યો સાથેના પકોડા કયા રોગોમાં
ફાયદો કરશે તેની યાદી પણ બહાર પાડી. ભારતીય ચલણી નોટોના વિવિધ રંગોની જેમ તેણે
પકોડાના રંગો રાખ્યા. કયા રંગના પકોડા કયા રોગ માટે છે તેની ચર્ચા ઝી ન્યુઝ પર
ચલાવી.
લાલાનું
લોંગ ટર્મ ટાર્ગેટ છે કે તેની આ પ્રોડક્ટથી સરકારની સહાનુભુતિ તો મળે જ પણ રાજ્ય
સ્તરે અને રાષ્ટ્રીય સ્તરે તેના આ સામાજિક કાર્યની નોંધ લેવાય અને તે સન્માનજનક
એવોર્ડથી પોંખાય. તેણે ટુંક સમયમાં “તંદુરસ્ત ભારત નિર્માણ”ની હાકલ કરી છે. બેકારોની ટીમ તેનાથી પ્રભાવિત થઇ છે. લાલો હવે રોકાય તેમ નથી તે અંબાણીને આંબી જવાની
ખેવના ધરાવે છે. પકોડા થકી તે વિશ્વનું
અર્થતંત્ર બદલવા માંગે છે. અમેરિકા, જાપાન, કેનેડા, જેવા વિકસિત દેશો આ પકોડા કિંગની નોધ
લે છે તેવા સમાચારો અને ચર્ચાઓ ન્યુઝ ચેનલોમાં સતત ચાલે તે માટેના પ્રયાસો આદર્યા.
“ભારતનું ગૌરવ લાલો” એવાં બેનરો ઠેર ઠેર લાગવા માંડ્યા છે. લાલો હવે વિશ્વ પ્રતિભા બનવા જઈ રહ્યો છે !
-------------------------------------------------------------------------------------------------------------------------
૪. ડાર્વિન અને લાલો
==============
લાલાએ
આજે વળી આધ્યત્મિકતાની ચર્ચા છેડી એમાં એણે ધર્મગુરુઓને લપેટમાં લીધા. વિજ્ઞાન અને
ધર્મ એવા ગહન વિષય પર હાથ અજમાવ્યો. વાત શરુ થઈ ડાર્વિનના સિધ્ધાંતથી.
ગણેશજીનું
માથું હાથીનું ના હોઈ શકે તો ગંગાપુત્ર કે સૂર્યપુત્ર સામે પણ સવાલો ઝીક્યા. વચ્ચે
પાદરી આવી ચઢ્યા. લાલાએ એમને સીધો જ સવાલ કર્યો કે માતા મરીયમ પુરુષગમન સિવાય માતા
કેવી રીતે બની શકે? વળી તે શરીર સાથે સ્વર્ગમાં કેવી રીતે
જઈ શકે? વગેરે સવાલો અને લાલાની તર્કબધ્ધ દલીલો
સામે ધર્મગુરૂઓએ હથિયાર હેઠાં મુક્યાં અને આ તો શ્રધ્ધાની વાત છે, કહીને ચર્ચામાંથી છટકી ગયા.
લાલા
પાસે એવા બાઉન્સર કે તેની સામે કોઈ બેટસમેન ટકી ના શકે. કાંતો આઉટ થાય કે ઘાયલ
થાય! લાલા સામે બાથ ભીડવી લોઢાના ચણા ચાવવા જેવું છે.
------------------------------------------------------------------------------------
૫. લાલો ઈતિહાસ બદલે છે !!!
=================
લાલો હમેશાં એવરેજ સ્ટુડન્ટ રહ્યો. તેના માબાપે ટ્યુશન કરાવી કરાવીને તેને સારા
ટકાએ પાસ કરવા પ્રયત્ન કરેલો, જેથી
પોતે જીવ્યા તેનાથી લાલો વધુ સારું જીવી શકે, સારી મોભાદાર નોકરી કરી શકે.
પણ લાલો તેના માબાપની અપેક્ષાઓ પૂર્ણ ના કરી શક્યો, એનો તેને પણ અફસોસ ખરો. લાલો વિધાર્થીકાળમાં તોફાની તત્વોનો ભાગ
હતો. તેની આ છાપ તેને પસંદ હતી જ.
કોલેજનો અભ્યાસ પૂરો કર્યા બાદ નોકરી માટે
પ્રયત્નો શરૂ કર્યા અને તેને ટુંક સમયમાં જ અંદાજ આવી ગયો કે નોકરી મળવાની નથી જ.
અમે પણ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરવા માંડી. એક કારકિર્દી સેમિનારમાં તેણે અમારી સાથે ભાગ લીધો. તેણે સ્ટીવ જોબ્સ, કર્નલ હરાલ્ડ સેન્ડર્સ વગેરેની
પ્રેરણાત્મક જીવનચરિત્રો સાંભળ્યા. આ પછી તેણે કંઇક અલગ કરવાનું વિચાર્યું. તેણે
નક્કી કર્યું કે બોસ હવે ઈતિહાસ બદલવો છે.
માબાપ જીવ્યા એવું નથી જીવવું. કંઇક કરી બતાવવું છે.
એક દિવસ મારા ઘેર ભગવાધારી મહારાજ આવી ને ઊભા
અને મને નામથી બોલાવ્યો. હું ચમક્યો! હું કાંઈ બોલું એ પહેલાં એમણે ઓળખ આપી. “હું લાલો” હવેથી “લાલજી બાપુ” તરીકે ઓળખાઈશ.
તેણે ઉતાવળમાં તેનો આખો પ્લાન મને સમજાવ્યો. તે હવે સમાજસેવા કરવા માંગે છે. હું કંઇક પુછુ એ પહેલાં જ તે પોતાના
કાર્યક્ર્મને આગળ વધારવા ચાલી નીકળ્યો.
હું તેને જોતો જ રહી ગયો.
વ્યસન મુક્તિ કાર્યક્રમ તેણે લોન્ચ કર્યો
હતો. આમ તો લાલો દારૂ પીતો હતો જેથી તેની
આ વાત મારા ગળે ના ઉતરી. તેણે સાપુતારામાં એક ગુફા શોધી હતી. ત્યાં લાલજી બાપુનો
આશ્રમ શરૂ કર્યો. તેના ચાર પાંચ અનુયાયીઓ
કહો કે માર્કેટિંગ મેનેજરો તૈયાર હતા.
જેમણે પણ દારૂ છોડાવવો હોય તેઓએ બિયર કે મોઘી બ્રાન્ડની દારૂની બોટલ બાપુને ધરાવવી
પડે. ત્યારબાદ દારૂડીયાને બાવડે કાળો દોરો બાંધવામાં આવતો અને અંધશ્રધ્ધાનો આશરો
લઇ બીક ઘાલી દેવાતી. જો દારૂ ના છૂટે તો
ફરી દારૂની ડબ્બલ બોટલો સાથે આવવા જણાવતો. આનાથી દારૂનું વ્યસન છૂટ્યું કે નહિ
તેના કોઈ પુરાવા નથી પણ લાલાનો ધંધો જબરો જામ્યો.
તેણે આશ્રમમાં “કોઈ પણ પ્રકારનું દાન લેવામાં આવતું નથી”નું બોર્ડ લગાવ્યું.
ગુજરાતમાં લાલજી બાપુના એજન્ટો કામે લાગી ગયા.
આશ્રમમાં લાઈનો લાગવા લાગી. જોત
જોતામાં બાપુની વાહ વાહ ચારે બાજુ થવા લાગી.
તેના આ સામાજિક કાર્યથી સૌ કોઈ પ્રભાવિત થયા. હવે લાલજી બાપુની “વ્યસન મુક્તિ કથાઓ” ચાલવા
લાગી જે તેમના પ્રચારનું અસરકારક માધ્યમ બન્યું. લાલાના અસંખ્ય ચાહકો છે, અનેક શિષ્યો અને શિષ્યાઓ પણ છે, જેમાંની કેટલીક વિશેષ છે.
આશ્રમમાં દારૂ છોડાવવા માટે દારૂની બોટલો
લેવામાં આવે અને બીજી બાજુ છુપ્પી રીતે
દારૂનો અડ્ડો ચાલે. આ દારૂ આખા ગુજરાતમાં એજન્ટો દ્વારા વેચવામાં આવે.
રોજની હજારોની કમાણી થવા લાગી. બાપુ હવે
ચાર ચાર બંગળીવાળી “ઓડી” ગાડીમાં ફરવા લાગ્યા.
હવે લાલો “બાપુ” બની ગયો. લાલજી
બાપુએ હવે વ્યસનથી બીમાર પડેલાની સારવાર
માટેની ખાસ હોસ્પિટલો ખોલી છે. આવતી
ચૂંટણીમાં લાલજી બાપુને રાજ્યસભાની ટીકીટ પાક્કી.
હવે તેના આશ્રમની અનેક શાખાઓ ખુલી ચુકી છે. લાલાએ હવે તેની રાજકીય વગ પણ વધારી દીધી. આથી
તેના ધંધાને હવે કોઈ આંચ આવે તેમ નથી. લાલાની નજર હવે CMની ખુરશી પર છે! લાલા કરતાં સારા ટકાએ પાસ થનારા અમે સૌ લાલાના
સહાધ્યાયી વિમાસણમાં પડી ગયા છીએ. લાલો
અમને સપનામાં ઠેંગો બતાવી અટ્ટહાસ્ય કરે છે.
અમે અસહ્ય વેદના અનુભવી રહ્યા છીએ.
એ અમને કહે છે “તમે ભણ્યા ખરા પણ ગણ્યા નહિ” અમારાં માબાપ પણ અમને કહે છે
કે ભણ્યા કરતાં બાવા બન્યા હોત તો સારું..... બોલો .? અમારે હવે શું કરવું?
૬. લાલાની આધુનિક મોહમાયા
===================
લાલાની ઓફિસે સામાન્ય રીતે લોકો કંઇક કામ લઈને જ આવતા. લાલો હમેશાં તેમને Ignore કરે. બીજા ટેબલે ધકેલી દે. આજે એક
દેખાવડાં, આધુનિક બેન
આવ્યાં. લાલાની નજર પડી અને લાલાએ બધું કામ પડતું મૂકી વાત કરવાની તક ઝડપી
લીધી. પેલા બેન પ્રવેશ કરીને બીજાને મળે
તે પહેલાં જ લાલો ઊભો થઇ સામે ચાલીને બેન પાસે પહોંચી ગયો. હમેશાં ચઢેલા મોં એ, સામે જોયા વગર, તિરસ્કૃત Toneમાં મુલાકાતીઓ સાથે વાત કરતો લાલો પેલી બેન સાથે મધુર સ્વરે, આકર્ષક હાસ્ય સાથે વાત કરતો હતો. બધાની નજર લાલા પર હતી. આથી લાલો પેલી બહેનને
એક બાજુ લઇ ગયો અને લળી લળીને વાત કરવા લાગ્યો.
ઓફિસમાં અંદરોઅંદર ચડભડ શરુ થઇ.
આકર્ષક બેનો સાથે ક્યા પ્રશ્નો પૂછવા કેવી રીતે વાત કરવી તેનું ઘરકામ લાલાએ
કરેલું જ હતું. મુદ્દાસર વાત કરી જરૂરી માહિતી મેળવ્યા બાદ લાલાએ મૂળ પ્રશ્ન પૂછ્યો. “હા તો શું કામ હતું માયાબેન?” બેન બોલી, લાલાભાઈ મારા Hubby
મહેશભાઈ અહીં
કામ કરે છે. મારે એમને મળવું છે પ્લીસ
બોલાવશો એમને? આજ્ઞાંકિત અદામાં લાલો મહેશભાઈને બોલાવી લાવ્યો. આજદિનથી જ તેણે મહેશભાઈની મિત્રતા વધારી દીધી.
હવે લાલો મહેશભાઈને ઘેર અવારનવાર આંટો મારે છે અને નવા શબ્દ પ્રયોગો પણ શીખી લાવે
છે.
માયાબેને પોતાના પતિ માટે વાપરેલો Hubby શબ્દ લાલાએ પકડી લીધો. હવે લાલો ઘેર જઈ પોતાની પત્નીને સમજાવવા લાગ્યો
કે પોતાને Hubby
કહીને જ
બોલાવે! પત્ની અચરજમાં પડી ત્યારે લાલાએ
સ્પષ્ટતા કરી કે આધુનિક સમયમાં પતિને “ઘરવાળા” કહી બોલાવવું જુનવાણી લાગે છે. હવે
આધુનિક ભાષા બોલવી જરૂરી બની ગયું છે. લાલાએ હવે પોતાના નવા જ Short
Forms બનાવવા
માંડ્યાં છે! હવે FB પર પણ લાલાએ Gonna, Wanna,
Dude, Kudos વગેરે શબ્દો વાપરવા માંડયા છે. સામાન્ય રીતે લાલો અપરિવર્તનશીલ છે પણ
એક સ્ત્રી લાલામાં ગજબનું પરિવર્તન લાવી શકે છે.
આજે લાલાએ પત્નીને બૂમ પાડી કહ્યું કે “લાવ જોયે મારો Hanky”. પત્નીને સમજાયું નહિ એટલે ફરી પૂછ્યું, શું લાવું? અરે ગાંડી એટલી ખબર નથી પડતી “Hanky” એટલે હાથ રૂમાલ. પત્ની વિમાસણમાં પડી
ગઈ અને પછ્યું આ તમને થયું છે શું? કેમ ના સમજાય તેવી ભાષા બોલો છો? લાલો ઉવાચ ... આધુનિકતા... “My Wify”... આધુનિકતા!!! જા મારું Tiffy લઇ આવ. આપણી “daughty” આવે એટલે એને કહેજે કે હું એના “Teachy”ને મળ્યો છું. અને હા આજે કયું vegy લેતો આવું? પત્ની તેની સામે એકીટસે જોઈ જ
રહી.
--------------------------------------------------------------------------------------
૭. મારો મિત્ર લાલો અને સોસ્યલ મિડીઆ
===============================
લાલાએ FB અને WhatsApp
પર સપાટો બોલાવ્યો. પોતાના સંતાનો, કાકા, મામા કે સબંધીઓના જન્મદિનની જેણે પોસ્ટ મૂકી તેને બિન્દાસ કોમેન્ટ
ઠોકી “એ ભાઈ મારા કેટલા ટકા, કેટલાને
શુભેચ્છા પાઠવું? તારા પુરતું રાખને”
વળી કોઈકે પોતાને શરદી થયાની પોસ્ટ મૂકી તો
લાલો ત્રાટક્યો “એડ્રેસ આપ બામ લઈને આવું છું. આમ FB પર પોસ્ટ મૂક્યા કરતાં દવા દારૂ કરને” એક્સીડેન્ટવાળા, બિમાર પડેલાને get well soon ને બદલે RIP લખી નાંખ્યું. ઘા પર મીઠું ભભરવાતાં
ચોખ્ખું લખી નાખ્યું - હમદર્દીની ખંજવાળ ઉપડી લાગે છે. હમદર્દી દાખવનારાઓનું
એનાલીસીસ કરીને ચીમકીઓ આપી.
પ્રવાસે જનારાને કહી દીધું કે ભાઈ તું એકલો નહિ, અમેય પ્રવાસે જઈએ છીએ. તેં નવાઈ કરી? પ્રચારની ચૂલ એકબાજુ મૂક ને છાનો માનો
પત્નીને લઈને ફર નહિ તો બીજીને લઈને છુપા પ્રવાસે ગયેલો એની વિગતો જાહેર કરીશ
હો!!!
વિમાની પ્રવાસ કરનારાના વિમાની ફોટા સાથેની
પોસ્ટ પર મિસાઈલની જેમ ત્રાટક્યો - બસ હવે ટાઢો પડ, અમેય વિમાની મુસાફરી કરી છે. વટ મારવાનું રહેવા દે!
ફક્ત પોસ્ટ મુકનારાને જ નહિ પણ કોમેન્ટ
કરનારાઓનેય આડે હાથ લીધા - એક બીજાને ખંજવાળવાનું બંધ કરો નહિ તો જોયા જેવી થશે.
તમારી અંગત બાબતોને ફેસબુક પર (છાપરે) ચઢાવીશ. આવી પોસ્ટ મુકનારા અને કોમેન્ટ
કરનારામાં સોપો પડીગયો. કેમકે લાલા પાસે વિશાળ ડેટાનો ખજાનો છે તેની જાણ સૌને છે.
WhatsApp પર લાલો વિફર્યો. રોજ good morning ફોટો કે વિડીયો મુકનારાને રોજ ૧ ની સામે ૧૦૦ લેખે પોસ્ટ ઠોકવા માંડી.
સામે ના જોઈ શકાય તેવા ગંદા વિડીયોનો મારો ચલાવ્યો.
છેલ્લે માર્ક ઝુકર્બગને મળીને પોસ્ટ દીઠ ચાર્જ
લગાડવાની ધમકી આપી. WhatsApp
પર ફોટો, વિડીયો મોકલનારને તેને ડીલીટ કરવાની મહેનતાણું ચૂકવવું પડે તેવી
જોગવાઈ કરાવાની પણ ધમકી આપી. વિફરેલા લાલાએ સોસ્યલ મિડીઆમાં ઝપાટો બોલાવ્યો.
ફોટો, વિડીયો, અને મેસેન્જરથી કંટાળેલાઓ લાલાની આ
હરકતથી ખુશ થયા અને મનોમન મલકાયા પણ ખરા!!!
--------------------------------------------------------------------------------------
૮. લાલો વિચારધારાનો વાહક અને સંરક્ષક
======================
આજે મારા મિત્ર લાલાએ FB પર બાબા સાહેબની એક ના સમજાય તેવી
પોસ્ટ મૂકી. તેણે બાબા સાહેબ વિચારધારાનો પોતે મોટો તજજ્ઞ હોવાનો ઢંઢેરો પીટાવ્યો
ત્યારે હું દંગ રહી ગયો. લાલો હવે એક ડગલું આગળ વધ્યો. આ વિચારધારાને બાબા સાહેબ
પણ સમજી શક્યા નહોતા એટલી હદે પોતે સમજી શક્યો છે તેવો દાવો ઠોક્યો.
હવે લાલો અટકે તેમ લાગતું નથી. તે જેટ ગતિએ
વિચારોની અભિવ્યક્તિ કરવાના મૂડમાં છે. કોણે, કોનો, કેવો, ક્યારે, કેવી રીતે વિરોધ કે સમર્થન કરવું તેની
આચાર સંહિતા પણ બનાવી રહ્યો છે અને તેનું અર્થઘટન કે સુધારા કરવાનો અબાધિત હક
પોતાની પાસે અમર્યાદિત રીતે રાખ્યો છે. હવે કોઈએ, કોઈકનો અમુક મુદે વિરોધ નહિ કરેલો એટલે
તે અમુક મુદે ના બોલી શકે તેવો ફતવો જાહેર કરી દે છે. આવા અનેક ફતવા તેના
ભાથામાંથી નિકળી અનેકને ઘાયલ કરી રહ્યા છે.
બાબાસાહેબની વિચારધારા પોતે આત્મસાત કરી છે. કોઈ પણ બાબતમાં લાલો
પોતાનો અલગ અભિપ્રાય વ્યક્ત કરે છે. સાવ
સ્પષ્ટ વાતમાં પણ લાલો “ના” થી શરૂઆત કરે છે. આખરે લાલાનો ધ્યેય હોય છે કે પોતે
બીજા કરતાં વધુ જાણે છે, કોઈ પણ સારું
કાર્ય થયું હોય તો પણ લાલો તેમાં કંઇક ખામી તો કાઢે જ. જયારે લાલાને કોઈ પડકારી શકે નહિ. આ માટે તેણે
તેના ટેકેદારો તૈયાર જ રાખ્યા હોય છે.
લાલો જવાબ આપે તે પહેલાં તેના ટેકેદારો જ જંગ ખેલે. લાલો બસ ... ખેલ જોયા જ કરે. છેલ્લે વિધાન કરે કે “સમજ્યા વિના કોઈએ બોલવું
નહિ, જોયા જેવી થશે”. આથી લાલા સામે બધા
હારેલા, થાકેલા હથિયાર હેઠા મુકીને શાંત રહે, લાલાથી દૂર રહેવામાં જ મજા એ સત્ય
સૌએ સ્વીકારી લીધું છે.
વિરોધીઓને તોડવા લાલાના પાવરફુલ રડાર કામે
લાગ્યાં છે. ઘણી બધી માહિતી ભેગી કરી છે જેમાં કેટલીક અંગત કહી શકાય તેવી છે. તેણે
ડેટા કલેકશન માટેની ટીમ ઊભી કરી છે અને ગમે ત્યારે કોઈની પર ત્રાટકી પડે છે.
લોકોમાં ભયનો માહોલ ઉભો થયો છે. લાલાથી બચવા તેની ગુડબુકમાં સામેલ થવાની હોડ મચી
છે તો કેટલાકે સલામતી ખાતર મૌન ધારણ કર્યુ છે. લાલો ક્યારે હથિયાર હેઠાં મૂકે
તેનાં કોઈ એંધાણ હાલ દેખાતાં નથી. ચેતતા રહેજો.
- જનહિતમાં જારી.
--------------------------------------------------------------------------------------
૯. ધર્મપ્રચારક લાલો :
==============
લાલાએ ધર્મપ્રચારકનું રૂપ
ધારણ કર્યું છે. લાલો ભાગ્યે જ ચર્ચમાં જોવા મળે પણ તેનામાં આવેલા આ અચાનક
પરિવર્તનથી હું ડઘાઈ ગયો. લાલો ઈશ્વરનાં
વચનો પાદરીની ભાષામાં બોલે છે. “પ્રારંભમાં હું શબ્દ હતો. શબ્દ ઈશ્વર સાથે હતો.
મારાથી બધું સર્જાયું છે” આમ સ્પષ્ટ અને ધીમી ભાષામાં લાલાને સાંભળવા લોકો ટોળે
વળવા લાગ્યા.
સૌ પ્રથમ લાલો એક શોકસભામાં ત્રાટક્યો. “મૃત્યુનો મલાજો રાખજો. પ્રાર્થના ટૂંકી અને
અર્થસભર કરાવજો. એકના એક ચવાઈ ગયેલા શબ્દો
વારંવાર બોલવા નહિ. શબ્દોના ઝાડા કરવા નહિ.
શાનમાં સમજી જજો. કોઈની શેહ શરમ નહિ ભરું. જોવા જેવી થશે. હું ઈશ્વરપુત્રનો પ્રચારક બોલું છું.”
એક ભાઈ પ્રાર્થના કરવા ઊભા થયા - “હે ઈશ્વર પિતા આ કુટુંબ પર જે કારમો
ઘા પડ્યો છે તેની પર તારી “સ્વર્ગીય બામ” લગાડ.” લાલાએ પ્રાર્થના કરનારનો હાથ પકડી આધ્યાત્મિક
સ્વરે કહ્યું – “સાહેબ ઘા પર મલમ હોય બામ નહિ.
બામથી તો લ્હાય બળે! બેસી જાવ, અઘટિત શબ્દો ના ઉચ્ચારો.” પ્રાર્થના સભામાં આવેલા ઘણાને લાલાનું આ આક્રમણ
ગમ્યું. શોકસભામાં કોઈ કંઈ કહે નહિ એટલે પ્રાર્થના ત્રાસવાદીઓ લાગ જોઇને ત્રાટકે. ઝાલ્યા રહે જ નહિ. લાલાના આ આક્રમણ બાદ પ્રાર્થના કરાવનારાઓમાં
સન્નાટો છવાઈ ગયો. ઘણા પ્રાર્થના રશિયાઓ ચેતી ગયા અને સમસમીને બેસી રહ્યા. સામાન્ય રીતે કંટાળાજનક રહેતી શોકસભા ટૂંકમાં,
અર્થસભર રીતે પૂરી થઇ. કુટુંબીજનોને
એકબીજા સાથે મળવાનો પૂરતો સમય મળ્યો.
લાલાએ સમાજમાં પોતાની એક સમાજ સુધારકની છાપ બનાવી દીધી. લાલાનો ગુપ્ત એજન્ડા હવે ધીરે ધીરે બહાર આવવા
લાગ્યો. હવે લાલાએ બાબારામદેવની સ્ટાઈલ અપનાવી. લાલાએ
ઇસુ અને માતા મરિયમના નામે કેટલાક બનાવટી
ચમત્કારો લખવા માંડ્યા. તેની અનેક કોપીઓ બનાવી
અને ચર્ચ સામે જ દુકાન જમાવી બેસી ગયો. દરેકને ૩૦ કોપી વહેચવાની, ના વહેંચે તો નુકશાન થવાની ધમકી લખેલી હતી. દર રવિવારે લાલાના સાગરીતો ચર્ચ છૂટે એટલે
કોપીઓ વહેંચે. હજારોની સંખ્યામાં કોપીઓ વેચાવા પણ લાગી. લાલાને ચમત્કારો ફળ્યા. આવક વધી.
હવે તેણે એક “ચમત્કારી પ્રાર્થનાઘર” બનાવી તેમાં ઈસુનું સ્ટેચ્યું
મુકાવ્યું અને સ્ટેચ્યુંમાંથી કરામત કરી લોકો સામે જ લોહી કાઢ્યું. તમાસાને તેડું ના હોય. લોકોનાં ટોળાં વળ્યાં. દાન પેટી ઉભરવા લાગી. લાલો હવે જુદી જુદી ટેકનિક શીખી લાવ્યો. ભૂતપ્રેત કાઢવાનું શરુ કર્યું. માથે હાથ મુકે ને લોકો બેભાન થઇ પડવા લાગે. આમાં
તો તેને ધાર્યા કરતાં વધારે કમાણી થવા લાગી. લાલાની માંગ એટલી વધી કે દૂર દૂરથી
લોકો આવવા લાગ્યા. દાનપેટીઓ ઉભરાવા લાગી. લાલાએ શિષ્યો પણ વધારી દીધા. તેના શિષ્યો તેના સેલ્સમેન બની વણખેડી જમીન
ખેડવા લાગ્યા. મબલક પાક ....!!! જય ઇસુ ...
હાલેલુઆના નાદ સંભળાવા લાગ્યા.
છેલ્લે લાલાએ પત્રિકાદાવ ખેલ્યો ! “એક
શ્રધ્ધાળુ એ પોતાની સંપતિનો ૫૦ ટકા હિસ્સો “ચમત્કારી પ્રાર્થનાઘર”માં આપ્યો અને એક
અઠવાડિયામાં તેણે દાન કરેલી સંપતિનો બમણો ફાયદો થયો! આ વાત.... .... ... .....”.! આ પત્રિકાથી ના તો કોઈએ દાન કર્યું
કે ના પત્રિકા બીજાને મોકલી! ”પૂરું થયું.” લાલો ઉવાચ : (અંધ)શ્રધ્ધાળુઓ પત્રિકા
કે મીણબત્તીનો જ ખર્ચ કરે તેવા માટીપગા
નીકળ્યા!!! શ્રધ્ધા મરી પરવારી છે.
હવે લાલાએ internetનો સહારો લીધો છે. લાલો
ઈશ્વરના નામે FBમાં આવતી “જ્યોતિષ” જેવી લીંક અપલોડ કરી રહ્યો છે. લાલાની “Pavitraatma.com” લીંકમાં વ્યક્તિના ભૂતકાળ, ભવિષ્યકાળ,
વ્યક્તિત્વ, પાપ-પુણ્ય, સ્વર્ગ-નર્ક, વ્યવસાય, ધનપ્રાપ્તિ, સંતાનપ્રાપ્તિ,
પ્રેમભંગ, ગૃહકલેશ, ભૂતપ્રેત, કાળીવિદ્યાનો ભોગ, સમસ્યાઓ, જેવા અનેક મુદ્દાઓનો
સમાવેશ કર્યો છે. લાલાની આ લીંકને ફક્ત “બેઘડી
ગમ્મત” માટે જ નહિ પણ સમસ્યાઓનું નિદાન અને ઉકેલ માટે કરજો. ઉકેલ/સમાધાન માટેની ફી
તમે online ચૂકવી શકશો! લાલાની લાજ રાખજો,
ઈશ્વરના નામે જરૂર લાભ લેજો. સુખ-શાંતિ અને સંપતિ પ્રાપ્ત થશે!
------------------------------------------------------------------------------------
૧૦. લાલાનો દબંગ “લલકાર”
==================
દેશમાં બનતી બળાત્કારની ઘટનાઓ પહેલાં પણ બનતી
હતી અને આજે પણ બને છે ફરક એટલો છે કે આજે બળાત્કારીઓને બચાવવા માટે રેલીઓ
કાઢવામાં આવે છે. બળાત્કારીઓ રાજકીય વગ
ધરાવતા હોય તો તેમની સામે ફરિયાદ ના નોધાય કે ધરપકડ પણ ના થાય. આ પરિસ્થિતિથી ત્રાસીને મારા મિત્ર લાલાએ બંડ
પોકાર્યું છે. તે માને છે કે ન્યાયતંત્ર અને પોલીસતંત્ર રાજકારણીઓનો હાથો બની ગયાં છે એટલે તેણે આ
પગલું ભરવું પડે છે.
લાલાએ “મેરા ગાંવ મેરા દેશ” ફિલ્મના વિલન ડાકુ
વિનોદખન્નાનું પાત્ર ધારણ કરી લીધું છે. તેણે પોતાની ટોળકી બનાવી દીધી છે. અજ્ઞાત સ્ત્રોત્રો દ્વારા તેને ફંડ અને હથિયારો મળી રહ્યાં છે. તેણે ચંબલની ખીણમાં નહિ પણ વસ્તીમાં જ પોતાનું અનોખું ભૂગર્ભ બનાવી દીધું છે. બળાત્કારીઓ સામે જાસાચિઠ્ઠી બહાર પાડે છે. “અલ ઝઝીરા”ની જેમ “લલ ઝકીરા” નામક વિડીઓ બહાર
પાડીને બળાત્કારીઓનો ખાત્મો બોલાવા લાલો લલકારે છે. - “તૈયાર રહેજો બળાત્કારીઓ, ... તમારો કાળ બનીને આવું છું.” પોતે જ CBI, પોલીસ અને પોતે જ ન્યાયાલય.
જેવો બળાત્કારનો કિસ્સો બને કે તરત જ તેના તમામ તંત્રો કામે લાગી જાય છે
અને ૨૪ કલાકમાં જ બળાત્કારીને ખતમ કરી નાખે છે.
બળાત્કારીઓમાં સોંપો પડી ગયો છે.
છેડતી કરનારાઓને પકડીને ભૂગર્ભમાં લઇ જઈ એવી treatment કરીને છોડી દે છે કે આ છેડતી કરનારા
હવે છોકરીઓને જોઇને જ બેભાન થઇ જાય
છે.
હવે સરકાર લાલાની ગિરોહને પકડવા આકાશ પાતાળ એક
કરી રહી છે પણ લાલો હાથ આવતો નથી. લોકોનું
તેને જબરદસ્ત સમર્થન મળી રહ્યું છે.
નાલાયક રાજકારણીઓ,
ગુંડાઓ, અસામાજિક તત્વો, કોમવાદીઓ
લાલાના લલકારથી થરથર કાંપવા લાગ્યા છે.
ગોદી મીડિયા, પોલીસ અને ન્યાયતંત્ર લાલાને કાયદો
હાથમાં લેવા માટે ગુનેગાર જ નહીં પણ ત્રાસવાદી ગણાવી રહ્યા છે. લાલાએ પોતાનું નેટવર્ક વધારી દીધું છે. લાલાની આ પ્રવૃતિથી મહિલાઓ પોતાને સુરક્ષિત અને
સલામત સમજી રહી છે. મોડી રાત્રે પણ છોકરીઓ
રસ્તા પર એકલી નીકળી શકે છે.
-----------------------------------------------------------------------------------
૧૧. લાલો લટ્ટુ બન્યો :
=============
લાલો, ‘પ્રિયા પ્રકાશ’ની મારકણી સ્ટાઈલથી હોશ હવાસ ખોઈ બેઠો. વેલેન્ટાઈન
ડે અને પ્રિયાના ડબ્બલ પ્રકાશથી તે અંજાઈ ગયો છે. તેણે FB પર શોધખોળ ચાલુ કરી.
છોકરીઓની પોસ્ટ અને તેમણે કરેલી comment પર ચાંપતી નજર રાખવા લાગ્યો.
તેને પોતાની પ્રિયા શોધવી હતી.
લાલો વારેઘડીએ live થતો અને ફક્ત છોકરીઓની કોમેન્ટ કે લાઇક
પર જ ધ્યાન કેન્દ્રિત કરવા લાગ્યો. લાલો live થાય ત્યારે તેણે ગહન વિષયો લેવા માંડ્યા. બ્રહ્માંડ થી માંડીને ભ્રષ્ટાચાર, નીરવ મોદી, લલિત મોદી,
મિત્રતા
થી માંડીને જીવનસાથી જેવા વિષયો પર ચર્ચા ચલાવી. તેના આ લાઇવ શોમાં કાંઈ ખાસ હતું
નહિ પણ ફક્ત પ્રિયાની શોધ હતી. આખરે તેણે કેટલાક નામો મળ્યા ખરાં. આ લીસ્ટને તે
શોર્ટ આઉટ કરવા લાગ્યો. હજુ તેને પાક્કી
ખાતરી કરવી હતી. મેં તેને કહ્યું કે દોસ્ત લાલા આ તારા live શોમાં મને તો કશું જાણવા મળતું નથી અને
સમજ પણ નથી પડતી કે તું શું કહેવા માંગે છે.
લાલાએ મને ખખડાવી નાખ્યો અને કહ્યું કે ‘એતો ઉચ્ચા લેવલની ચર્ચા છે, નીચા લેવલવાળાને ના ખબર પડે.’! હું ચુપ
થઇ ગયો.
લાલાએ હવે ઈમોશનલ દાવ ખેલ્યો. તેણે પોતાના પગ પર બનાવટી પ્લાસ્ટર લગાડી, તેનો ફોટો FB પર પોસ્ટ કર્યો. ફોટા નીચે નોંધ પણ
મૂકી દીધી. “મહેરબાની કરીને મને શુભેચ્છા
પાઠવો. તમારી લાગણીસભર commentની મારે જરૂર છે”. અપેક્ષા મુજબ તેને પોતાનો દાવ સફળ થતો લાગ્યો.
હવે લાલાને FBનું એક ગત્તકડું પણ હાથ લાગ્યું (જે સાચું હોતું જ નથી). તમે કઈ મહાન
હસ્તી જેવા લાગો છો? તમારું મૃત્યુ કયારે? ગયા જન્મમાં કોણ હતા? વગેરે...માંથી લાલાએ “who loves you the most” નો સહારો લીધો. લાલાને જવાબ મળી ગયો. તેમાં એક દેખાવડી છોકરીનો
ફોટો આવ્યો જે તેના ફ્રેન્ડ લીસ્ટમાં હતી. બધા સંશોધનો પછી તેની ટીમના તારણોને
આધારે તેને તેની પ્રિયા મળી ગઈ. હવે તેણે
તે છોકરીને ગૂડ મોર્નિંગના પોસ્ટર મોકલવા માંડ્યા, જેમાં ખાસ સંદેશ પણ મોકલતો. આ છોકરી કોઈને કોમેન્ટ કરે તો તરત જ તે
છોકરીની કોમેન્ટનાં વખાણ કરવા મંડી પડે, (પેલી પોસ્ટના નહિ). તેણે
છોકરી સાથે ચેટ કરીને ફોન નંબર લઇ લીધો.
કેમ છો થી વાત શરુ કરી છેક ઘેર સુધી પહોચી ગયો. છોકરી પણ ચાલક હતી. છોકરીને હવે ખ્યાલ આવી ગયો
કે આતો પ્રિયાનો દિવાનો છે અને પોતાનામાં તેને પ્રિયાના દર્શન થાય છે! છોકરીએ દાવ ગોઠવીને લાલાનો ‘પેલો’ ટાંટીયો જ
તોડાવી નાંખ્યો.
લાલો ખાટલે પડ્યો છે. હવે તે પોતાનો ફોટો પાડી અપડેટ પણ મૂકી શકતો
નથી. લાલો વિચારના વંટોળે ચડ્યો છે. હવે
તેણે FB પર છોકરીઓની પાછળ પડેલા નફફટોને પદાર્થ
પાઠ શીખાડવાનું બીડું ઝડપ્યું છે. લાલાએ છોકરીને નામે પોતાનું ફેક આઈડી બનાવી દીધું. લાલાની LIB કામે લાગી ગઈ છે. તે, બહાર સજ્જનનું મોહરું પહેરીને ફરતા લોકોનો નકાબ ઉતારવા માંગે
છે. એવા લોકોની સાથે ચેટ કરીને તેને વાયરલ
કરે તેમ છે. આમ કરવા પાછળનું કારણ છે કે હું એકલો કેમ વેઠું? બીજા પણ પીટાવા જોઈએ, ખુલ્લા પડવા જોઈએ! આવા લોકોને શોધીને તે કોઈક છોકરી સાથે ભીડાવી
દેવાની ફિરાકમાં પણ છે. તેની આ જાળમાં ઘણા ફસાય તેમ છે! લાલાને પ્રિયા તો ના મળી પણ તેણે પ્રિયાનું રૂપ
ધારણ કરી દીધું છે. લાલો આવી રહ્યો છે. લાલાની રડાર પર કેટલાક તો છે જ. ચેતતા
રહેજો હો!
------------------------------------------------------------------------------------
૧૨.
લાલાનો ગેસ પ્રોજેક્ટ
==============
વડાપ્રધાન
નરેન્દ્ર મોદીના ભાષણથી પ્રેરણા લઈને લાલાએ “make in India” અંતર્ગત ગટર ગેસ યોજના મોટે પાયે શરુ કરવાનું અભિયાન ચલાવ્યું છે.
લાલાએ આ માટે અંબાણી જૂથ સાથે જોડાણ કર્યું છે.
આ માટેની પાઈપ લાઈનો અને મોટા ટાંકાઓનું નિર્માણ થશે. મોટે પાયે ઉત્પન્ન થયેલા ગેસથી ઇલેક્ટ્રિસીટી
બનવાના તથા કાર ચલાવાના પ્લાન્ટ નંખાશે. આ માટે લાલાએ મોદીછાપ વૈજ્ઞાનિકો નીમી
દીધા છે. હવે લાલો આકાશને આંબવાનો પ્રયાસ
કરી રહ્યો છે.
મોદી
સરકારના ઉચ્ચ કક્ષાના પ્રધાનો અને ONGCના સંબિત પાત્રા સાથે લાલાએ અનેક બેઠકો યોજી છે. લાલાએ પોતાના આ Dream Projectની બ્લુએ પ્રિન્ટ તૈયાર કરી દીધી
છે. લાલો ભારતને ગેસમય બનાવી વિશ્વકક્ષાએ
મુકવા કમર કસી છે. લાલાએ મોદીછાપ
વૈજ્ઞાનિકો પર વધારે મદાર રાખે છે.
લાલાના
નેતૃત્વ હેઠળ વૈજ્ઞાનિકો કામે લાગી રહ્યા છે.
લાલાએ સૌ પ્રથમ વધારેમાં વધારે ગેસ ઉત્પન્ન કરવાનું આયોજન હાથ પર લીધું
છે. આ માટે તેણે ગટર ગેસ ઉપરાંત જન-ગેસનો
ઉપયોગ કરવા વિચાર્યું છે. લોકોને વધારેમાં
વધારે બટાકા, વાલ, મૂળા વગેરે ગેસ ઉત્પન્ન કરતો ખોરાક ફરજીયાત ખવડાવવામાં આવશે. આવા ખોરાકનું વિતરણ કરવા લાલાની પૂરી ફોજ કામે
લાગશે, જેમાં સરકારનો પૂરો સહયોગ રહેશે.
દેશહિતમાં આ ખોરાક લેવો ફરજીયાત હશે. વ્યક્તિદીઠ અમુક ચોક્કસ માત્રાનો ગેસ ઉત્પન્ન
કરવાનો રહેશે. રક્તદાનની જેમ “ગેસદાન”ના
અનેક કેમ્પ યોજવામાં આવશે. સૌથી વધુ
ગેસદાન કરનારને રાષ્ટ્રવાદીનું સર્ટીફીકેટ આપવામાં આવશે. દરેક ચાની લારીઓ અને ચાની
દુકાનોએ આ ગેસ વાપરવો ફરજીયાત હશે.
ગાયના
ગોબર અને ગાયના શરીરમાંથી નિકળતા ગેસની કિંમત બમણી હશે. આ ગેસથી દરેક મંદિરમાં દીવા સળગાવવામાં
આવશે. મંદિરોમાં ગાયગેસથી આરતીઓ કરવામાં
આવશે. આ સિવાય લાલાનાં અનેક આયોજનો છે, જેનું પેટન્ટ લીધા બાદ જાહેર કરવામાં
આવશે.
આ
પ્રોજેક્ટનું નામકરણ “પંડિત દીનદયાળ ગેસ પાવર પ્રોજેક્ટ” કરવામાં આવ્યું છે. ૧૫મી
ઓગસ્ટ ૨૦૧૮ના રોજ વિધિવત ઉદ્દઘાટન કરવામાં આવશે.
સૌ પ્રથમ ગેસયુક્ત ખોરાક અમિત શાહને ખવડાવવામાં આવશે. તેમના પેટ પર બાંધેલી
લાલ રીબીન કાપી નરેન્દ્ર મોદીના હસ્તે
પ્રોજેક્ટને વિધિવત ખુલ્લો મુકાશે. અમિત શાહમાંથી નિકળતા ગેસ વડે ચાલતા
માઈકનો ઉપયોગ કરી મોદી લાલ કિલ્લા પરથી ભાષણ કરશે. આ વિશ્વનું સૌ પ્રથમ ગેસ ભાષણ
હશે. લાલો આ કાર્યક્રમનો અતિથી વિશેષ રહેશે. લાલાને મોદીની લગોલગ બેસવાનો લહાવો
મળશે. (વિચારબીજ : નરેન્દ્ર મોદી અને
હસમુખ ક્રિશ્ચિયન)
૧૩.પારકે ભાણે લાલો મોજ માણે
==================
મારા મિત્ર લાલાને સામાજિક “કર્મશીલ” તરીકે
ઉભરીને, નેતા તરીકે પ્રસ્થાપિત થવાનો ઉભરો
ચઢ્યો છે. તેની કાર્યશૈલી જોઈ હું વિમાસણમાં પડી ગયો. તેની સ્ટાઈલ અનોખી છે. લોકસંપર્ક રાખે પણ પોતાની આજુબાજુ કોઈને ફરકવા
ના દે કેમકે તેણે ઊભી કરેલી છાપમાં બીજા ભાગ ના પડાવે. લાલો સામાજિક કાર્ય કર્યાનો
દેખાવ કરે, પોતે એકલો લડી રહ્યો છે તેવી ઓળખ ઊભી કરે છે. લાલો ઠોસ મારે
કે NGO જેવા કોઈ પ્રોજેક્ટ વગર, એકલે હાથે,
વગર લશ્કરે જંગ લડી રહ્યો છે. લાલાને One Man Armyનું બિરુદ મેળવી, નેતા બનવું છે.
NGOsથી દૂર રહેતા લાલાએ જબ્બર તરકીબ અપનાવી છે. લાલો જમીની સ્તરે
જોડાયેલો નહિ હોવાથી તેને પોતાનાં કામ દેખાડવા કોઈકની તો જરૂર પડે. આથી NGOના કાર્યકરો સાથે તે ગાઢ સંપર્ક બનાવે.
આ કાર્યકરો, જે NGO-પ્રોજેક્ટનાં કાર્યો કરે તેને લાલો પોતાને નામે ચઢાવા લાગ્યો. કાર્યકરો ભાણું તૈયાર કરે અને લાલો ભરપટે ખાય.
જરૂર લાગે ત્યાં હાજરી આપી લોકોમાં ઓળખ ઊભી કરે અને આ કાર્ય પોતે જ કરી રહ્યો છે
તેવું વાતાવરણ સર્જી દે. મીડિયાનો ઉપયોગ
કરે. શરૂઆતમાં તો લાલાની આ કરામત કામ કરી ગઈ પણ પછી કાર્યકરોને અને NGOsને પણ ખબર પડી એટલે લાલાનું પત્તું
કપાયું. લાલો મુશ્કેલીમાં મુકાયો, તોય
તેણે પ્રયત્ન ના છોડ્યો.
કોઈ પણ વંચિત અત્યાચારની ઘટના બને કે લાલો
તૈયાર ભાણે બેસવા તલપાપડ થાય. કોઈ પણ
આંદોલન ચાલતું હોય તો લાલો તેમાં ઘૂસ મારી તેને “હાયજેક” કરી લેવાના પેંતરા રચે. એનું
નેતૃત્વ પોતાને મળે તેવી ખાસ અપેક્ષા રાખે. નેતૃત્વ ના મળે તો લાલો વિફરે. “શું
વાત છે આખી જિંદગી મેં કામો કર્યા અને નેતૃત્વ બીજો લઇ જાય? ના ચાલે.” લાલો જંગની દિશા બદલીને નવા
બનેલા નેતા સામે પડી જાય. “પોતે જ સામાજિક કાર્યનો નિષ્ણાત અને સાચો લડવૈયો, બીજા
બધા નકામા” એવી દ્રઢ માન્યતા ધરાવે છે.
લાલો હવે ઉતાવળો થયો છે. એને લાગે છે કે બહુ મોડું થયું છે. તેને કેમેય
કરીને નેતા તરીકે પ્રસ્થાપિત થવું જ છે.
જગ્યા શોધે છે, હવાતિયા મારે છે,
ધમપછાડા કરે છે. પોતાનું સ્થાન જમાવવા મરણીયો જંગ લડે છે. આ જંગમાં જે કોઈ હડફેટે ચડ્યો તેનું આવી જ
બન્યું. લાલાને લાગે છે કે “વાવેતર મેં
કર્યું અને પાક બીજા લણે?”
જો કે વાવેતર તેણે કર્યું જ નથી, તોય પાક તો તેણે લણવો જ છે. કેટલાક ફોલ્ડરિયા લાલાની અરસપરસ ઉપગ્રહની જેમ
ઘૂમ્યા કરે છે અને લાલાને જે જોઈએ તે ડેટા પૂરો પાડે છે. લાલાનો આ નેતૃત્વ ઊભરો
અનેકને દઝાડે છે. પારકે ભાણે હક જમાવાની
તેની આ હઠ અનોખી છે.
ચેતવણી : હમણાં કોઈએ નેતા બનવા પ્રયત્ન કરવો
નહિ. લાલાની હાજરી વગર કોઈપણ આંદોલન ચલાવવું નહિ.
લાલાની લાલ આંખના શિકાર બનશો. પહેલાં લાલો નેતા બનશે પછી બીજા બની શકે. જનહિત માટે લાલાને નેતા બનાવો બીજા માટે રસ્તો
ખુલ્લો કરો!
--------------------------------------------------------------------------------------