ભૂતક્ષણિય નિરીક્ષણ
==============:
35-40 વર્ષ પહેલાં જ્યારે વિડિયો કેસેટ એક નાની ડાયરી જેવી હતી. ઘણાએ જોઈ હશે. આ કેસેટ પ્લેયરનો નવો આવિષ્કાર થયેલો. કોલેજમાં અમુક છોકરાઓ વટ પાડવા હાથમાં ખુલ્લી કેસેટ લઈને આવતા. છોકરીઓ હોય ત્યાં જતા અને પેલી કેસેટને છોકરીઓનું ધ્યાન જાય તેમ હલાવ્યા કરે. અમે આ દ્રશ્ય કુતૂહલવશ જોઈ રહેતા. આ સમયગાળો પણ પસાર થઇ ગયો. પછી સીડી આવી.
નવો નવો મોબાઇલ બજારમાં આવ્યો. લોકો વટભેર હાથમાં ખુલ્લો મોબાઇલ લઈને, બધા જુએ તે રીતે ફરે. ગાડીના ડબ્બામાં વચ્ચે ફરતાફરતા વટથી વાત કરે. બંને બાજુ બેઠેલા લોકો આ મહાનુભાવને એકીટસે જોઈ રહે અને મોબાઇલવાળાની શ્રીમંતાઈ પર વારી જાય. મોબાઇલવાળો બધાની નજરમાં આવે તેમ પહેલી આંગળી અને અંગૂઠા વચ્ચે મોબાઇલ રાખે અને ફરકડી ફેરવે. આ ભાઈને ઓળખતા ના હોય તે પણ તેમની સામે જોઈને હસે તોય આ ભાઈ મચક ના આપે. તેની સાથે બેઠલા મિત્રો પણ વટ પાડે અને મનમાં બોલે ય ખરા... “જુઓ અમારા મિત્ર પાસે મોબાઇલ છે”. કેટલાક બે મોબાઇલ રાખે અને બધા જુએ તેમ એક હાથમાંથી બીજા હાથમાં ફેરવે. મોબાઇલને આકર્ષક દોરીથી બાંધીને ગળામાં લટકાવે. મોબાઇલ દેખાડાનો આ સમય પણ ગયો.
પેન ડ્રાઈવ નવી નીકળેલી. ઓફિસમાં કેટલાક 2 GBની પેન ડ્રાઈવ ગળામાં દોરીથી લટકાવીને ફરે. કામનું ભારણ હોય તેમ દોડાદોડ કરે અને તેમના ગળામાં રહેલી પેન ડ્રાઈવને બતાવ્યા કરે. પછી જમાનો આવ્યો લેપટોપનો એક ભાઈ દિલ્હીથી મિટિંગ માટે ગુજરાત આવેલા. મિટિંગમાં જરૂર વગર લેપટોપ ખોલીને બેઠેલા. થોડી થોડી વારે જોયા કરે અને કંઇક આઘુપાછું કર્યા કરે. મિટિંગમાં બેઠેલાઓને તે લેપટોપવાળા ભાઈ પ્રત્યે અહોભાવ જાગેલો. આ સમય પણ ગયો.
આ બધાનું વિડિઓગ્રાફી થયું હોત તો આજે જોઈને હસવાની કેવી મજા પડે. ત્યારે અહોભાવથી જોનારા પણ આજે શરમાય કે નહિ ? આ બધું કેટલું હાસ્યાસ્પદ, અજુગતું અને બનાવટી હતું॰
ઘણી ફિલ્મોમાં આપણે તે સમયના હિરોને હાથમાં ટેઈપ રેકોર્ડર લઈને બાગમાં ગીત ગાતા જોયા છે, તો કેટલાક લાકડાના સ્ટેન્ડ પર વિડિયોગ્રાફીનું નાટક કરતા જોયા છે. ડોન ફિલ્મમાં અમિતાભ બચ્ચન મારુતિ ઓમ્નીનો દરવાજો ખોલીને નીકળે ત્યારે તાળીઓ પડે. વાહ શું કાર છે!!! આજે આ બધુ જોઈએ તો શરમ કે છીછરાપણું લાગે કે નહિ?
હવે ટેક્નોલૉજી એટલી ઝડપે બદલાય છે કે ભૂતકાળનાં આ વર્તન-વ્યવહાર હવે કેટલાં હાસ્યાસ્પદ, શરમજનક લાગે. “મારી પાસે છે જે તમારી પાસે નથી” એ બતાવવાનું વલણ હવે જોખમમાં મુકાયું છે અને વટ પડનારા હવે મૂંઝાયા છે.