Pages

Thursday, May 28, 2015

હિંદુ અને મુસ્લિમ રાજાઓ વચ્ચે યુદ્ધ

હિંદુ અને મુસ્લિમ રાજાઓ વચ્ચે યુદ્ધ
-       -      ડૉ. રામ પુનિયાની

ઇતિહાસમાં અને  હિંદુઓ  અને મુસ્લિમો વચ્ચે યુદ્ધ થતાં રહ્યાં એ વાતમાં કેટલું તથ્ય છે તે જોઈએ.  સમજવા માટે ત્રણ ઉદાહરણો જોઈએ. 
૧) મહારાણા પ્રતાપ અને અકબર વચ્ચે હલ્દી ઘાટીના યુદ્ધને હિંદુ-મુસ્લિમ યુદ્ધ તરીકે જોવામાં આવે છે. આશ્ચર્યની વાત તો એ છે કે રાજા અકબર તો યુદ્ધના મેદાનમાં આવ્યા જ નહોતા.  પરંતુ અકબર વતી રાજા માનસિંગ યુદ્ધ લડી રહ્યા હતા.  અકબરની સેનામાં માનસિંગના રાજપૂત સૈનિકો હતા અને શાહજહાં  સલીમના પઠાણના સૈનિકો હતા.  જયારે રાણા પ્રતાપની સેનામાં સેનાપતિ હતા હકીમ ખાન સૂર.  રાણા પ્રતાપની સેનામાં પઠાણ અને રાજપૂત સૈનિકો હતા.  બંને સેનામાં મુસ્લિમ અને હિંદુ સૈનિકો અને સેનાપતિઓ હતા તો પછી તેને હિંદુ-મુસલમાન વચ્ચેનું યુદ્ધ કેવી રીતે કેવાય? (પરંતુ કોમવાદીઓ ઈતિહાસને જુદી રીતે ભણાવે છે) રાજા અકબર પોતાના રાજ્યનો વિસ્તાર કરવા માટે નાના રાજાઓને પોતાના રાજ્યમાં ભેળવી દેવા માટે તેમને હોદ્દાઓ આપતા હતા.  પોતાના રાજ્યમાં ભેળવી દેવા માટે અકબરે રાણા પ્રતાપ સમક્ષ પાંચ હજારીનો હોદ્દો આપવાનો પ્રસ્તાવ મુક્યો હતો. રાણા પ્રતાપે તેનો અસ્વીકાર કર્યો તેથી તેમની વચ્ચે યુદ્ધ થયું.  રાણા પ્રતાપ પછી તેમના દીકરા અમરસિંહને દશ હજારીનો હોદ્દો આપી પોતાના રાજ્યમાં સામેલ કર્યો હતો. આ યુદ્ધને હિંદુ કે ઇસ્લામ સાથે કેવી રીતે જોડી શકાય? આતો સ્પષ્ટ રીતે રાજકારણ હતું, તેને ધર્મ સાથે કોઈ લેવા દેવા નહોતું.  સાંપ્રદાયિક જૂથો નફરતનું વાતાવરણ ઉભું કરવા ખોટો ઇતિહાસ ભણાવે છે.

૨) શિવાજી મહારાજને મુસ્લિમ વિરોધી રાજા તરીકે રજુ કરવામાં આવે છે પણ હકીકત જુદી જ છે. શિવાજી અને ઔરંગઝેબ વચ્ચેના યુદ્ધમાં ઔરંગઝેબ તરફથી મોટેભાગે રાજા જયસિંહ જ લડતા હતા.  જયારે શિવાજીના સૈન્યમાં ઘણા મુસ્લિમ સેના નાયકો હતા જેમકે સિંઘવી સંબલ અને તેમના ખાનગી સચિવનું નામ હતું મૌલાના હૈદરઅલી. શિવાજી મહારાજ આગ્રાના કિલ્લામાંથી ભાગી છૂટ્યા ત્યારે તેમને  મદદ કરનાર મુસ્લિમ રાજકુમાર હતા – મદારી મેહતર. 


૩) શિવાજી મહારાજે પોતાના સૈન્યને આદેશ આપ્યો હતો કે લૂંટફાટ વખતે કોઈ ધર્મનું પુસ્તક આવી જાય તો પૂરા આદર સાથે તેને જે તે ધર્મના વ્યક્તિને સોંપવું. શિવાજી મહારાજ મહારાષ્ટ્રના એક સૂફી સંત હજરત બાબા થોરવાલાનું ગુરુ તુલ્ય સન્માન કરતા હતા તો સુરતના ફાધર એબ્રોજને પણ ખુબ આદર કરતા હતા.  એક વખત તેમની સેના કલ્યાણના મુસ્લિમ સુબેદારની સુંદર પુત્રવધૂનું અપહરણ કરી લાવ્યા અને શિવાજી મહારાજને ભેટ આપવા ગયા.  શિવાજી મહારાજ ખુબ ગુસ્સે ભરાયા અને તે સ્ત્રીને પૂરા આદર સાથે તેના પતિ પાસે મૂકી આવવાનો આદેશ આપ્યો.  આ બધા પરથી શું આપણે કહી શકીએ કે શિવાજી મહારાજ મુસ્લિમ વિરોધી હતા?  (તો પછી શિવાજી મહારાજને હિંદુ હૃદય સમ્રાટ કહી શકાય? ના કદી નહીં. તેઓ બિનસાંપ્રદાયિક હતા. તેમના શાસનમાં લઘુમતિઓ, બહુમતિ જેટલા જ સલામત હતા.)

Saturday, May 23, 2015

મંદિરોનો ધ્વંશ - (રામ પુનિયાની)

મંદિરોનો ધ્વંશ

***(ઇતિહાસના તથ્યોને તોડી મરોડી તેને સાંપ્રદાયિક રૂપ આપવાનો પ્રયત્ન થાય છે. ૬ આંધળા અને હાથીની વાર્તાની જેમ અમુક હિસ્સો જ ના જોતા સમગ્ર રીતે તપાસીએ તો વાસ્તવિકતા ખબર પડે. ડો. રામ પુનિયાની આપણને યોગ્ય દિશામાં વિચારવા માટે પ્રેરે છે.  તેમના પ્રવચનના દસ્તાવેજીકરણનો એક અંશ)***

ઇતિહાસમાં વર્ણવેલ મંદિરોને તોડવાની પ્રક્રિયાને સમજવાનો પ્રયત્ન કરીશું.  શું મુસલમાન રાજાઓ હિંદુ ધર્મનું અપમાન કરવા માંગતા હતા અને એટલે મંદિરોને તોડ્યાં?  સોમનાથના મંદિરનો દાખલો લઇ વિશ્લેષણ કરીએ. 

મહંમદ ગઝનવી અફઘાનિસ્તાનના ગઝની શહેરનો હતો.  ગઝનીથી સોમનાથ સુધી આવવા તેણે ઘણો લાંબો પંથ કાપવો પડ્યો અને રસ્તામાં ઘણા મંદિરો પણ આવ્યાં તો પણ એણે એ મંદિરોને કેમ તોડ્યા નહીં?  રસ્તામાં બામિયાનમાં બુદ્ધની વિશાળ મૂર્તિ પણ આવી, ગઝનીએ એને હાથ પણ લગાવ્યો નહી.  તો ગઝનીએ તોડવા માટે કેમ સોમનાથ મંદિર જ પસંદ કર્યું ? 
ગઝનવી જયારે સોમનાથ તરફ આગળ વધી રહ્યો હતો ત્યારે રસ્તામાં મુલતાન નામનું શહેર આવ્યું. 

મુલતાનના રાજા અબ્દુલ ફત દાઉદ હતા.  ગઝનવીએ અબ્દુલ ફત દાઉદને સંદેશ પાઠવ્યો કે હું સોમનાથ તરફ જઈ રહ્યો છું મને મુલતાન થઈને જવાની પરવાનગી આપો.  રાજા અબ્દુલે પરવાનગી આપી નહીં આથી બન્ને મુસ્લિમ રાજાઓ વચ્ચે યુધ્ધ થયું.  આ યુદ્ધમાં મુલતાનની જામા મસ્જીદ તૂટી. જે લોકો મહંમદ ગઝનવીને ઇસ્લામનો મહાન રક્ષક માને છે તેમણે વિચારવું જોઈએ કે મહમદ માત્ર ધન સંપતિ લુંટવા જ મંદિર કે મસ્જીદ તોડતો હતો.  તેને ધર્મ સાથે કોઈ લેવા દેવા ન હતી. જો એવું જ હોત તો તેણે મસ્જીદ ના તોડી હોત. 

મુલતાન પછી થાનેશ્વર આવતું હતું.  તેનો રાજા હતો આનંદ પાલ. ગઝનવીએ આનંદ પાલને નિવેદન પાઠવ્યું અને આનંદ પાલે તેનો સ્વીકાર કરી ગઝનવીના લશ્કરને અનુમતિ આપી. ગઝનવીએ સોમનાથ  મંદિર તોડી તેની સંપતિનો કબજો લીધો. 

મહંમદ ગઝનવીના લશ્કરમાં એક તૃતિયાંશ સૈનિકો હિંદુ હતા અને તેના બાર સેનાપતિઓમાંથી પાંચ હિંદુ હતા. તેમના નામ તિલક, સોંઘી, હરજાના, રાણા અને હિન્દ હતાં. પોતાના નામના ચલણી સિક્કામાં પણ સંસ્કૃત ભાષાનો ઉપયોગ કર્યો હતો. સોમનાથ જીત્યા બાદ ગઝનવીએ ત્યાં હિંદુ રાજાની નિમણુંક કરી હતી. 

આપણે ઈતિહાસની દરેક ઘટનાની છણાવટ નથી કરતા પણ કેટલીક ઘટનાઓને આધારે પોતાનો મત બાંધીએ છીએ જે સત્યથી ઘણો જ વેગળો હોય છે.  મોટાભાગના રાજાઓએ પોતાના રાજ્યની સીમા વધારવા કે સંપતિ પર કબજો મેળવવા પોતાનાં કૃત્યોને ધર્મ સાથે જોડી દીધાં જયારે હકીકતમાં તેને ધર્મ સાથે કોઈ લેવાદેવા હતી જ નહી.   

બારમી શતાબ્દીના કાશ્મીરના રાજા હર્ષદેવ વિષે ચર્ચા કરીશું.  તેમના દરબારમાં કલ્હણ નામનો કવિ હતો.  કલ્હણે એક પુસ્તક લખ્યું છે જેનું નામ – રાજ તરંગિણી. આ પુસ્તકમાં તેમણે  નોંધ્યું છે કે રાજા હર્ષદેવે પોતાના રાજ્યકાળ દરમિયાન એક નવા પદનું નિર્માણ કર્યું હતું.  આ પદનું નામ હતું દેવોત્પતન નાયક.  આ શબ્દનો અર્થ થાય છે કે દેવોની પ્રતિમાઓનું પતન કરનાર અધિકારી.  હિંદુ રાજા મંદિરોમાં જઈને દેવોની પ્રતિમાઓને ઉખાડીને લઇ આવે.  કેમકે મૂર્તિઓ પરના આભૂષણો તેમના માટે અગત્યના હતાં મૂર્તિઓ નહી. 

એક વખત મરાઠા સેનાઓએ ટીપું સુલતાન પર આક્રમણ કર્યું.  આ આક્રમણ અસફળ રહ્યું, ના કોઈ જીત્યું ના કોઈ હાર્યું.  પરત ફરતા મરાઠા સેનાએ શ્રીરંગપતનમ મંદિર ધ્વસ્ત કર્યું.  મરાઠા સેનામાં મોટે ભાગે હિન્દુઓ જ હતા છતાં મંદિર કેમ તોડ્યું.  મરાઠા સેના મંદિર તોડીને ટીપું સુલતાનનું અપમાન કરવા માંગતી હતી.  ટીપું સુલતાને તે મંદિરને ફરીથી બંધાવ્યું.  એક હિન્દુ સેનાએ તોડેલા મંદિરને મુસ્લિમ રાજા ફરીથી બંધાવે છે.

ઔરંગઝેબને સૌથી વધુ અત્યાચારી મુસ્લિમ રાજા માનવામાં આવે છે.  પાકિસ્તાનના ઇસ્લામી સંપ્રદાયો ઔરંગઝેબને તે સમયનો મહાનતમ રાજા માને છે. પરંતુ સત્ય શું છે?  ઔંરંગઝેબે લાંબા સમય સુધી શાસન કર્યું.  તેના શાસનકાળ દરમિયાન કેટલાંક મંદિર-મસ્જીદ તોડાવ્યા તો કેટલાંક બનાવ્યાં પણ ખરાં.  એટલું જ નહીં પણ તેના કારભાર માટે રાજ્ય તરફથી જાગીરો પણ ભેટમાં આપી. એક વખત ગોલકુંડના નવાબ તાનાશાહે લાંબા સમય સુધી તેમણે લગાન-કર ના આપ્યો. ઔરંગઝેબે પોતાના જાસુસો મોકલી તપાસ કરાવી તો ખબર પડી કે આ તાનાશાહે પોતાની સંપતિ એક મસ્જિદની નીચે છુપાવી હતી.  ઔરંગઝેબે મસ્જિદમાંથી સંપત્તિ ખોદાવી કાઢીને દિલ્હી લઇ આવ્યો.  આ જ ઔરંગઝેબે કાશી, વૃંદાવન વિસ્તારમાં આવેલ કેટલાંક મંદિરોને જાગીર-ધનસંપત્તિની ભેટ આપી છે.  એક મહાન ઇતિહાસકાર ડો. વિશ્વંભરનાથ પાંડેય લિખિત પુસ્તક “ધ ફરમાન્સ ઓફ કિંગ ઔરંગઝેબ” માં આવા ઘણાં ફરમાનો અને અદાલતી આદેશોના ઉલ્લેખ જોવા મળે છે.  આ જ વિસ્તારમાં એક કૃષ્ણ મંદિરને ઔરંગઝેબે ઘણાં સુવર્ણ આભૂષણો ભેટ આપ્યાં છે.  આજે પણ દર નવરાત્રીએ શ્રીકૃષ્ણને આ આભૂષણો પહેરવામાં આવે છે. 

ડો. પટ્ટાભૈયા સીતારામૈયા લિખિત પુસ્તક “ફેધર્સ એન્ડ સ્ટોન” માં એક કરુણ વાર્તાનું વર્ણન છે.  એક વખત ઔરંગઝેબ કાશીથી કલકત્તા તરફ જઈ રહ્યો હતો. તેમની સાથેના કાફલામાં હિંદુ રાજાઓએ ઔરંગઝેબને વિનંતી કરી કે જો એક રાત માટે પડાવ કરવામાં આવે તો તેમની રાણીઓ વારાણસી જઈને ગંગામાં સ્નાન કરી શકે.  ઔરંગઝેબે તરત જ મંજૂરી આપી, એટલું જ નહિ પણ સલામતી માટે વારાણસી સુધીના પાંચ માઈલના રસ્તા પર સૈન્ય ગોઠવી દીધું.  બધી રાણીઓ પાલખીમાં બેસીને વારાણસી પહોંચી.  ગંગામાં સ્નાન કર્યા પછી બધાં ભગવાન વિશ્વનાથના દર્શન કરવા ગયાં.  બધી રાણીઓ પાછી આવી પણ એક કચ્છના મહારાણી પાછાં આવ્યાં નહીં.  મંદિરના આખાય પરિસરમાં શોધ કરવામાં આવી. પણ રાણીનો પત્તો લાગ્યો નહીં.  ઔરંગઝેબ ગુસ્સાથી લાલચોળ થઇ ગયો.  એમણે પોતાના વરિષ્ઠ અધિકારીઓને તપાસ માટે મોકલ્યા. તપાસ કરતાં મંદિરની દીવાલ પર લાગેલ ગણેશની પ્રતિમા સ્થિર નહોતી.  પ્રતિમાને ફેરવતાં નીચે ભોયરામાં જવાનો રસ્તો દેખાયો.  ભોયરામાં ભયભીત રાણી રડતી હતી.  અધિકારીઓ રાણીના હાલ જોઈને કંપી ઉઠ્યા.  આ ભોયરું ભગવાન વિશ્વનાથની પ્રતિમાની નીચે જ હતું.  રાણીને સલામત રીતે બહાર કાઢવામાં આવી. ઔરંગઝેબે આદેશ આપ્યો કે મંદિર અપવિત્ર થઇ ગયું હોવાથી ત્યાંથી ભગવાનની પ્રતિમાને માનપૂર્વક હટાવી  દઈને બીજે સ્થાપિત કરવામાં આવે. મંદિરને ધ્વસ્ત કરી બીજે બાંધવામાં આવે. ગુનેગાર મહંતની ધરપકડ કરવામાં આવે. આ ઈતિહાસની ઘટનાની સાબિતી પટના સંગ્રહાલયના જાણીતા ક્યુરેટર ડો. પી. એલ. ગુપ્તા પાસેથી મળી છે.

મોગલ શાસનકાળ દરમ્યાન સ્થાનીય પ્રશાસનમાં કોઈ મોટો ફેરફાર નહોતો થયો.  હિંદુ જમીનદારો અને રાજાઓ મોગલ શાસનકાળ દરમ્યાન પણ મોટા હોદાઓ પર હતા. અકબરના નવ રત્નોમાંથી બીરબલ અને ટોડરમલને સૌ જાણીએ છીએ.  શાહજહાંના શાસનકાળ દરમ્યાન હિંદુ રાજાઓની સંખ્યા ૨૪% હતી તો ઔરંગઝેબના શાસનકાળમાં આ સંખ્યા વધીને ૩૪% થઇ હતી.
ઇતિહાસમાં એવા ઘણાં વર્ણનો છે જેમાં પરમાર રાજાઓએ કેટલાંક જૈન મંદિરોને તોડ્યા હતાં.  એક હિંદુ રાજા શશાંકે  મહાત્મા બુધ્ધને જે બોધી વૃક્ષ હેઠળ મોક્ષ પ્રાપ્ત થયો હતો તે વૃક્ષને કપાવી નાખ્યું હતું.  આટલા પરથી સ્પષ્ટ થાય છે કે મંદિરો ફક્ત મુસ્લિમ શાસકોએ જ નહોતાં તોડયાં પણ હિંદુ શાસકોએય તોડયાં હતાં જેને ધર્મ સાથે કોઈ લેવા દેવા નથી.


(કોમી રાજકારણ ચલાવનારા “મુસ્લીમ શાસકોએ મંદિરો તોડયાં” એવો ખોટો ઇતિહાસ ભણાવે છે.)