Pages

Tuesday, February 18, 2014

કારકિર્દી ઘડતર અને મૂલ્યો

કારકિર્દી ઘડતર અને મૂલ્યો 

આજે ચારેકોર કારકિર્દી બનાવવાની હરીફાઈ ચાલે છે ત્યારે કારકિર્દીનો અર્થ સમજવો જરૂરી બન્યો છે. કારકિર્દી ઘડતરમાં ધ્યેય મહત્વનો છે. આપણે  ધ્યેયનો સંકુચિત અર્થ પૈસા કમાવાનો કરી નાખ્યો છે.  પૈસા કમાવા એ જરૂરી અને મહત્વનું છે.  પાયાની જરૂરિયાત છે.  પરંતુ વાત ત્યાં પૂરી ના થવી જોઈએ.  જો આપણે આર્થિક ધ્યેય સુધી  અટકી જઈએ તો સ્વાર્થી બની જઈએ.   ખરેખર તો જીવનમાં વિશાળ ધ્યેય હોવો જોઈએ. "હું સુખી થાઉ  અને બીજાને પણ સુખ તરફ દોરી જાઉં "  અન્ય કોઈ નહી  તો મારા કુટુંબના કે સગાની આંગળી પકડું.  મારા લીધે બીજા કોઈનું ભલું થવું જોઈએ.  જીવનમાં આર્થિક ધ્યેયની સાથે સામાજિક કે આધ્યાત્મિક ધ્યેય ખુબ જ મહત્વનો છે. કોઈકને રાહ ચીંધુ, કોઈકનું જીવન સુખી બનાવામાં નિમિત્ત બનું.  પૈસા માત્રથી જીવનમાં સંતોષ કે આનંદ નથી મળતો.  કોઈકને મદદ કરવામાં જ સાચું સુખ મળે છે.  કેટલાક કહેતા હોય છે કે મેં ખુબ મહેનત કરી.  જાત મહેનતથી આગળ આવ્યો છું.  બસ હવે પૂરું થયુ.  જે જોઈતું હતું તે મેળવી લીઘુ.  હવે હું ને મારું ઘર.  સૌ સૌનું જુએ.  આપણે શું?  બીજાની ચિંતા કરવાની શી જરૂર?  આવા સ્વાર્થને લીધે આજે માનવતા મરી પરવારી હોય તેવું લાગે છે.

 જેમ આપણા શારીરિક વિકાસની  ત્રણ અવસ્થાઓ છે -  1) બાલ્યાવસ્થા  2) યુવાવસ્થા અને  3) વૃધ્ધાવસ્થા તેમ વ્યક્તિત્વ  વિકાસના ત્રણ તબક્કાઓ  છે -  1) પરાવલંબન  2) સ્વાવલંબન અને 3) પરસ્પરાવલંબન.  શરૂઆતમાં બાળક પરાવલંબી હોય છે પછી વિકાસ પામી સ્વાવલંબી બને અને સાથે સાથે વ્યક્તિ શ્રેષ્ઠ શિખરે પહોંચી પરસ્પરાવલંબી બને.  એકબીજા સાથે મળીને વિકાસ કરે છે.  માત્ર આર્થિક વિકાસ જ નહી પરંતુ અધ્યાત્મિક અને સામાજિક વિકાસ પણ કરે છે.  આ વિકાસનું સર્વોચ્ચ શિખર છે. 

કારકિર્દી ઘડવા માટે કે વિકાસ કરવા માટે માત્ર જ્ઞાન, કુશળતા કે મેરીટ જ મહત્વના નથી.   પરંતુ જીવન મૂલ્યો કે સિદ્ધાંતો મહત્વના અને મુખ્ય  છે.   ઘણા એવા દાખલા જોયા છે કે જ્ઞાન અને કુશળતામાં સુવર્ણ ચંદ્રક મેળવનાર જીવનમાં નિષ્ફળ બની જાય કે બીજાને નુકશાનકારક બની જાય.  આવા મેરીટવાળા ગુંડાઓ, શોષણખોરો કે આંતકવાદીઓ પણ બને છે.   આપણા જીવનના કેન્દ્ર સ્થાને જો સાચા મૂલ્યો કે સિદ્ધાંતો નહી હોય તો આપણે  કદી  સાચા જીવનનો આનંદ પ્રાપ્ત નહી કરી શકીએ. 

આજે શૈક્ષણિક સંસ્થાઓમાં અને કુટુંબોમાં જીવન મૂલ્યોનું શિક્ષણ અપાતું નથી કે ગૌણ બની ગયું છે.  બધાને માર્કની પડી છે,  પૈસાની પડી છે.  ગમેતે રીતે આર્થિક વિકાસ કરવો છે.  પરંતુ વ્યક્તિ એક આદર્શ અને સિદ્ધાંતવાદી નાગરિક બને તેની ભાગ્યેજ કોઈને પડી હોય છે.  કારકિર્દીના ઘડતરમાં "મૂલ્ય શિક્ષણ"  મુખ્ય હોવું જોઈએ.  કેટલીક વખત વ્યક્તિ તેના જ્ઞાન અને કુશળતાને લીધે નોકરી મેળવી લે પણ જો તેનામાં મૂલ્યો નહી હોય તો થોડા સમયમાં જ ફેકાય જશે.  કદાચ જ્ઞાન અને કુશળતાની કચાશ ચલાવી લેવાય કે તાલીમ દ્વારા વિકાસાવી શકાય પણ મૂલ્યો વગરની વ્યક્તિ ક્યાંય  નહી ચાલે. ઉલટાનું નુકશાનકારક પૂરવાર થશે.  સાચું જીવન નહી પામી શકે. 

એક વખત એક આઈ. પી. એસ. ઓફિસરને મળવાનું થયુ.  ચીફ ગેસ્ટ તરીકે આમંત્રણ આપવા ગયેલા. તેમની વાત સાભળીને ગર્વથી માથું ઊંચું થઇ ગયું.-  સાગબારામાં એક આદીવાસી યુવતી પર બે પી.એસ. આઈ. અને એક પોલીસ કોન્સટેબલે બળાત્કાર ગુજાર્યો.  છોકરીને ધમકી આપેલી એટલે એણે બીકના લીધે કોઈને વાત કરી નહી.  એક સ્વૈચ્છિક સંસ્થાની કાર્યકર બેનને તેણે વાત કરી અને આમ કેસ નોંધાયો.  એ વખતે માત્ર પ્રિન્ટ મીડિયા.  વાત પ્રસરી.  સરકાર પર દબાણ આવ્યું અને આખરે તપાસ પંચ નીમાયું    આ આઈ. પી. એસ. ઓફિસર સાહેબને  વન મેન કમીશનના અધ્યક્ષ બનાવ્યા.  તેમણે પૂરી પ્રમાણિકતાથી તપાસ કરી રીપોર્ટ સરકારને સોંપ્યો. મુખ્ય પ્રધાને તેમને શાબાશી આપી અને કહ્યું કે મને ગર્વ છે કે તમારા જેવા પ્રમાણિક ઓફિસર મારા ગૃહખાતામાં છે.  પણ...... જુઓ વિરોધ પક્ષ આને ચુંટણી મુદ્દો બનાવશે જેથી તમારે રીપોર્ટમાં થોડો ફેર કરવો પડે.  આપણે ગુનેગારોને ખાતાકીય શિક્ષા કરીશું. .....  આ જવાંમર્દ ઓફિસર બોલ્યા -   સાહેબ મારું લોહી બદલાય તો આ  રીપોર્ટનો એક શબ્દ બદલાય.  હું આ રીપોર્ટમાં એક શબ્દનો પણ ફેરફાર ના કરી શકું.  આ ઓફિસરને ત્યારબાદ ઘણું વેઠવું પડ્યું પણ પેલા ગુનેગારોને સજા થઇ.  પેલી પીડિતાને ન્યાય મળ્યો.   છોકરી આ ઓફિસરને પગે પડી બોલી - સાહેબ મેં ભગવાન જોયા નથી પણ મારા માટે તો તમે જ ભગવાન!!!!!  વાત પૂરી કરતાં સાહેબે અમને કીધું કે મને મારા પગાર અને બઢતી કરતાં સૌથી વધારે સંતોષ અને આનંદ આ મારા મૂલ્યોને લીધે મળ્યો છે.  ત્યારબાદ એ જ મુખ્ય પ્રધાને મારી કદર કરી. આ પોલીસ ઓફિસરે  અમને કહ્યું  - સોરી મારાથી તમારા કાર્યક્રમમાં નહી આવી શકાય પણ મારો આ સંદેશ તમારા યુવાનોને આપજો.  જીવનમાં સિદ્ધાંતો અને મૂલ્યો મહત્વના છે.  તે આપણા જીવનનું કેન્દ્ર હોવું જોઈએ.  તેમની આ મહાનતાને મેં ખરા હૃદયથી પ્રણામ કર્યા.  ઘણા વર્ષો પછી પણ હું તેમને ભૂલ્યો નથી અને આજે પણ કારકિર્દી માર્ગદર્શનની તાલીમોમાં આ પ્રસંગને ટાંકું છું.   સાહેબે મને કારકિર્દીની સાચી પરિભાષા જ નહી પરંતુ ધર્મનો  સાચો અર્થ પણ  સમજાવી દીધો. એટલુજ નહી પણ "માસલો થીયરી"ની અટપટી વાત તેમના આ અનુભવથી  ખૂબજ સરળતાથી સમજાવી દીધી..









Saturday, February 15, 2014

પ્રાર્થના મૃત્યું

પ્રાર્થના  મૃત્યું 

         મૃત્યુ તારો મલાજો રાખીએ 

કોઈનું મૃત્યું થાય ત્યારે પ્રાર્થના સાંત્વન પૂરું પાડે છે.  એક આધ્યાત્મિક વાતાવરણ પૂરું પડે છે.  કુટુંબીજનોને આની જરૂર હોય છે.  સર્જાયેલા શૂન્યાવકાશમાં જીવ પૂરે છે.  આવા સમયે મૃત્યું પામેલી વ્યક્તિને યાદ કરી તેના કાર્યો કે જીવનના અનુભવોને, વ્યક્તિના સારા પાસાંઓને યાદ કરાય છે.  મૃત્યું પામેલી વ્યક્તિને આ રીતે માન અપાય, યાદ કરાય તે પણ જરૂરી છે.

પ્રાર્થનાને લીધે બિનજરૂરી વાતો કે વધુ પડતી રોકકળને દૂર કરી આધ્યાત્મિક વાતાવરણ ઊભું કરાય છે.  આનાથી વધુ લાગણીશીલ લોકોને સહારો મળે છે.  શાંતિનો અનુભવ થાય છે.  જુદી જુદી રીત,  શબ્દો કે ભજનો  દ્વારા મૃત્યુંના દુઃખને હળવું કરાય છે.  મૃત્યુ સમયની પ્રાર્થનાએ સમાજમાં એક આદર્શ ચીલો પાડ્યો છે. સારું પરિવર્તન પણ આણ્યું છે.

હવે વાત કરીએ પ્રાર્થનાના અતિરેકની.  ખાસ કરીને શહેરની વાત કરું તો મૃતદેહને ઘરની બહાર લાવે ત્યારે પ્રાર્થના,  દેવળમાં લઇ જાય ત્યારે લાંબો ખ્રિસ્તયજ્ઞ ને અંતિમ વિધિ, ત્યારબાદ દેહને કબ્રસ્તાને લઇ જઈ ત્યાં ફરી એક જગ્યાએ મુકવામાં આવે, ફરી ત્યાં લાંબી પ્રાર્થના, છેલ્લે કબરે લઇ જાય અને ત્યાં ફરી પાછી પ્રાર્થના,  દફનાવ્યા પછી ફરી પ્રાર્થના.  મૃતદેહને લઇ જઈ દફનાવ્યા સુધી એક ગણતરી મુજબ પાંચ વખત તો હે મારા બાપ પ્રાર્થના બોલાય !   આમ દફનાવવાનો વિધિ જ 2 થી 3 કલાક ચાલે. વળી પાછા હરખપદુડા ઘેર જઈને પ્રાર્થનાનો દોર  હાથમાં લે.  લોથ પોથ થઇ ગયેલા કુટુંબીજનોને બાનમાં લે. લાંબી પ્રાર્થનાનો મારો ચલાવે.  એમાં વળી લાગ જોઇને પૂર્ણવિરામની રાહ જોઇને બેઠેલા અન્ય પંથ વાળા મંડી પડે.  આવા પ્રસંગે પ્રાર્થનાવાળાને રોકે પણ કોણ?  આથી તેમને છુટ્ટું મેદાન મળી જાય. આવું કહ્યાગરું ઓડીયન્સ ક્યાં મળે?  બસ તૂટી જ પડે બીજાનો વિચાર સુદ્ધાં ના કરે. ઉબકા થઇ જાય ત્યાં સુધી પ્રાર્થના કરાવે.

શોકસભા કે પ્રાર્થનાસભાના દિવસે પણ પ્રાર્થનાઓનો મારો ચાલે.  બાકી રહી ગયા હોય તેમ હુમલો જ કરે. બે કલાક કે તેથી વધુ પ્રાર્થનાઓ ચાલે. લોકો કંટાળી જાય.  મૃત્યું પામેલાનો આત્મા પણ અશાંતિ અનુભવે તેવું વાતાવરણ ઊભુ  કરી દે.  કોઈને  સાંત્વના માટેની વાત ના કરવા દે. બસ ઝૂડ્યે રાખે. પ્રાર્થનાના આ અતિરેકથી ના આધ્યાત્મિક વાતાવરણ ઊભું થાય છે, ના લોકોને તેમાં રસ પડે છે,  કે ના મન હળવું બને છે. કંટાળો, માનસિક ત્રાસ, ને સમયનો બગાડ હોય છે.  ઉપરથી પ્રાર્થનાની કિંમત અને મહત્વ ઘટાડે છે.  યુવાવર્ગ આથી જ ધાર્મિક વિધિઓથી કંટાળીને ચર્ચથી દૂર જઈ  રહ્યો છે.

ખરેખર તો ટુંકી અને અર્થસભર પ્રાર્થના સાથે 45 મિનીટ કે 1 કલાકમાં દફનવિધિ પૂરી થવી જોઈએ.  કુટુંબીજનો આમેય મૃતજનની બિમારી અને મૃત્યુંના લીધે શારીરિક અને માનસિક રીતે થાક્યા હોય છે.  તેમનો વિચાર કરવો જોઈએ.  તેમની સાથે વાતો કરી કે કેટલીક વખત તેમને એકલા છોડી આરામ આપવાની જરૂર હોય છે.   આ માટે સમાજના દરેકે વિચારવાની જરૂર છે.  નવો ચીલો પડવાની જરૂર છે.  ધર્મગુરુઓએ પણ આ અંગે વિચારવું જોઈએ.  દફનવિધિ વખતે ખ્રિસ્તયજ્ઞની જરૂર જ  નથી.   ચર્ચમાં 10 મીનીટની અંતિમ વિધિ અને સ્મશાનમાં 10 મીનીટની પ્રાર્થના બસ. આ માટે ધર્મગુરુઓએ આગ્રહ રાખવો જોઈએ. ધર્મગુરુઓએ આ માટે પહેલ કરવી જોઈએ.  સમાજના આગેવાનોએ પણ આ અંગે ગંભીરતાથી વિચારવું જોઈએ. કેટલીક વખત અન્ય ધર્મના લોકો દફનવિધિમાં આવે તો ખ્રિસ્તીઓ વિશેની ખોટી છાપ લઇ ને જાય છે. આથી કેટલીક વખત તેઓ આ ત્રાસના લીધે જ  આવવાનું ટાળે છે અને અન્ય દિવસે મળીને જતા રહે છે.