પ્રાર્થના મૃત્યું
મૃત્યુ તારો મલાજો રાખીએ
કોઈનું મૃત્યું થાય ત્યારે પ્રાર્થના સાંત્વન પૂરું પાડે છે. એક આધ્યાત્મિક વાતાવરણ પૂરું પડે છે. કુટુંબીજનોને આની જરૂર હોય છે. સર્જાયેલા શૂન્યાવકાશમાં જીવ પૂરે છે. આવા સમયે મૃત્યું પામેલી વ્યક્તિને યાદ કરી તેના કાર્યો કે જીવનના અનુભવોને, વ્યક્તિના સારા પાસાંઓને યાદ કરાય છે. મૃત્યું પામેલી વ્યક્તિને આ રીતે માન અપાય, યાદ કરાય તે પણ જરૂરી છે.
પ્રાર્થનાને લીધે બિનજરૂરી વાતો કે વધુ પડતી રોકકળને દૂર કરી આધ્યાત્મિક વાતાવરણ ઊભું કરાય છે. આનાથી વધુ લાગણીશીલ લોકોને સહારો મળે છે. શાંતિનો અનુભવ થાય છે. જુદી જુદી રીત, શબ્દો કે ભજનો દ્વારા મૃત્યુંના દુઃખને હળવું કરાય છે. મૃત્યુ સમયની પ્રાર્થનાએ સમાજમાં એક આદર્શ ચીલો પાડ્યો છે. સારું પરિવર્તન પણ આણ્યું છે.
હવે વાત કરીએ પ્રાર્થનાના અતિરેકની. ખાસ કરીને શહેરની વાત કરું તો મૃતદેહને ઘરની બહાર લાવે ત્યારે પ્રાર્થના, દેવળમાં લઇ જાય ત્યારે લાંબો ખ્રિસ્તયજ્ઞ ને અંતિમ વિધિ, ત્યારબાદ દેહને કબ્રસ્તાને લઇ જઈ ત્યાં ફરી એક જગ્યાએ મુકવામાં આવે, ફરી ત્યાં લાંબી પ્રાર્થના, છેલ્લે કબરે લઇ જાય અને ત્યાં ફરી પાછી પ્રાર્થના, દફનાવ્યા પછી ફરી પ્રાર્થના. મૃતદેહને લઇ જઈ દફનાવ્યા સુધી એક ગણતરી મુજબ પાંચ વખત તો હે મારા બાપ પ્રાર્થના બોલાય ! આમ દફનાવવાનો વિધિ જ 2 થી 3 કલાક ચાલે. વળી પાછા હરખપદુડા ઘેર જઈને પ્રાર્થનાનો દોર હાથમાં લે. લોથ પોથ થઇ ગયેલા કુટુંબીજનોને બાનમાં લે. લાંબી પ્રાર્થનાનો મારો ચલાવે. એમાં વળી લાગ જોઇને પૂર્ણવિરામની રાહ જોઇને બેઠેલા અન્ય પંથ વાળા મંડી પડે. આવા પ્રસંગે પ્રાર્થનાવાળાને રોકે પણ કોણ? આથી તેમને છુટ્ટું મેદાન મળી જાય. આવું કહ્યાગરું ઓડીયન્સ ક્યાં મળે? બસ તૂટી જ પડે બીજાનો વિચાર સુદ્ધાં ના કરે. ઉબકા થઇ જાય ત્યાં સુધી પ્રાર્થના કરાવે.
શોકસભા કે પ્રાર્થનાસભાના દિવસે પણ પ્રાર્થનાઓનો મારો ચાલે. બાકી રહી ગયા હોય તેમ હુમલો જ કરે. બે કલાક કે તેથી વધુ પ્રાર્થનાઓ ચાલે. લોકો કંટાળી જાય. મૃત્યું પામેલાનો આત્મા પણ અશાંતિ અનુભવે તેવું વાતાવરણ ઊભુ કરી દે. કોઈને સાંત્વના માટેની વાત ના કરવા દે. બસ ઝૂડ્યે રાખે. પ્રાર્થનાના આ અતિરેકથી ના આધ્યાત્મિક વાતાવરણ ઊભું થાય છે, ના લોકોને તેમાં રસ પડે છે, કે ના મન હળવું બને છે. કંટાળો, માનસિક ત્રાસ, ને સમયનો બગાડ હોય છે. ઉપરથી પ્રાર્થનાની કિંમત અને મહત્વ ઘટાડે છે. યુવાવર્ગ આથી જ ધાર્મિક વિધિઓથી કંટાળીને ચર્ચથી દૂર જઈ રહ્યો છે.
ખરેખર તો ટુંકી અને અર્થસભર પ્રાર્થના સાથે 45 મિનીટ કે 1 કલાકમાં દફનવિધિ પૂરી થવી જોઈએ. કુટુંબીજનો આમેય મૃતજનની બિમારી અને મૃત્યુંના લીધે શારીરિક અને માનસિક રીતે થાક્યા હોય છે. તેમનો વિચાર કરવો જોઈએ. તેમની સાથે વાતો કરી કે કેટલીક વખત તેમને એકલા છોડી આરામ આપવાની જરૂર હોય છે. આ માટે સમાજના દરેકે વિચારવાની જરૂર છે. નવો ચીલો પડવાની જરૂર છે. ધર્મગુરુઓએ પણ આ અંગે વિચારવું જોઈએ. દફનવિધિ વખતે ખ્રિસ્તયજ્ઞની જરૂર જ નથી. ચર્ચમાં 10 મીનીટની અંતિમ વિધિ અને સ્મશાનમાં 10 મીનીટની પ્રાર્થના બસ. આ માટે ધર્મગુરુઓએ આગ્રહ રાખવો જોઈએ. ધર્મગુરુઓએ આ માટે પહેલ કરવી જોઈએ. સમાજના આગેવાનોએ પણ આ અંગે ગંભીરતાથી વિચારવું જોઈએ. કેટલીક વખત અન્ય ધર્મના લોકો દફનવિધિમાં આવે તો ખ્રિસ્તીઓ વિશેની ખોટી છાપ લઇ ને જાય છે. આથી કેટલીક વખત તેઓ આ ત્રાસના લીધે જ આવવાનું ટાળે છે અને અન્ય દિવસે મળીને જતા રહે છે.
.jpg)
No comments:
Post a Comment