Pages

Thursday, February 28, 2019

3 પ્રકારના લોકો

“મેરા દેશ બદલ રહા હૈ” કેમ કે હું બદલાઈ રહ્યો (રહી) છું !
================================
આજે ત્રણ પ્રકારના લોકો સ્પષ્ટ રીતે જોઈ શકાય છે.

1) જે સંપૂર્ણ રીતે માનવીય મુલ્યોને નેવે મૂકીને વેચાઈ ગયા છે અને ભૌતિકતાને માણી રહ્યા છે:
- અન્યાય કે ખોટી બાબતોનો વિરોધ નથી કરતા અને બીજાને કરવા પણ નથી દેતા.
- અન્યાયનો વિરોધ કરનારાઓ સાથેનો સંબંધ કાપી નાખે છે. કેટલાક તો FBમાં પણ બ્લૉક કરી દે છે.
- શા માટે નાહકના વિવાદાસ્પદ બાબતોમાં પડવું?
- અ(મારે) શું? આપણી સામે ક્યાં કશું થયું છે.
- સત્તા કે સ્થાપિત હિતોનો ડર, જોખમ લેવાની તૈયારી નથી.
- હકારાત્મક અભિગમ રાખવો (હકારત્મક્તાનો તેમનો ખ્યાલ એ છે કે ખોટાને પણ “ખોટું” ના કહેવું!!! અથવા વિરોધ થાય તેવી બાબતોને ના અડવું પછી ભલે તે સત્ય કેમ ના હોય!!!)
- જિંદગી મળી છે તો જીવી લઈએ.
- બાંધછોડ કરવી પડે, સત્તા સામે શાણપણ ના ચાલે, બળિયા સામે બાથ ના ભીડાય.
- આપણે ક્યાં સંત થવું છે?
- દરેક સાથે કામ કરતાં આવડે તે ખરા, બાકી બધા ડફોળ.
- ભરપૂર સ્વાર્થ છે, બીજાનો વિચાર જરાય કરતા નથી.
- કોઈપણ ભોગે આર્થિક રીતે ટોચ પર પહોચવું છે. (આ ટોચનો અંત ક્યાં? ખબર નથી) (સ્થાપિત હિતો કે સત્તા જાય પછી તેમની હાલત શુ?)

૨) બીજા પ્રકારના લોકો છે જે જાણે છે કે ખોટું છે અને કોઈપણ ભોગે તેના પક્ષે ના જ રહેવાય. સત્ય બોલવું પડે, સ્ટેન્ડ લેવું પડે પછી ભલે મુશ્કેલી પડે.
- જે થવું હોય તે થાય પણ સત્ય કે માનવતાના પક્ષે રહેવું, જાહેર થવું, વ્યક્ત થવું.
- ભૌતિક સુખોની તિલાંજલિ આપવા તૈયાર, પોતાની કારકિર્દી કે ભવિષ્યને પણ જોખમમાં મુકે છે.
- સત્તા સામે પડવામાં બીક નથી. પણ ચિંતા જરૂર છે.
- આવનાર સંભવિત જોખમોનો સામનો કરવા તૈયાર.
- મારે શું? ભાવ નથી
- થોડી સાવચેતી રાખે છે પણ ખોટા સામે પડ્યા વગર રહી શકતા નથી.

૩) જયારે ત્રીજા પ્રકારના લોકો છે જેઓ “ખોટું છે” એવું માને છે ખરા પણ ડરના માર્યા વ્યક્ત થતા નથી.
- બીકથી પીડાય છે. ખોટું છે તે સ્વીકારે છે પણ વિરોધ કરતા નથી
- કારકિર્દી કે પોતાના ભવિષ્ય સામે જોખમ ઉઠાવવા તૈયાર નથી. શા માટે પેટ ચોળી પીડા ઊભી કરવી? એવું માને છે.
- બીજાને પણ ચેતવે છે ... જો જો સાચવજો ... (આ બીક પણ વ્યાજબી તો છે જ)
- અન્યાયનો વિરોધ કરનારા સાથે અંતર રાખે છે.
- મારા લીધે શા માટે બીજાને મુશ્કેલીમાં મુકું?
- જવા દો યાર ... એવું બધું ચાલ્યા કરે ... કોઈને સુધારવાનો આપણે ઠેકો લીધો નથી.
- આપણા કહેવાથી પરિસ્થિતિ બદલાવાની નથી તો શા માટે ખોટા પડવું.
- બીજા બોલતા નથી તો હું શા માટે બોલું?
- ભલે ખોટું થતું પણ થોડુક તો સારું થાય છે ને ?

જયારે કેટલાક એવા હોય છે કે જે ઉપરોક્ત ત્રણેય સ્તરે આંટા માર્યા કરે. સમય કે પરિસ્થિતિ પારખીને તે પ્રમાણે ચાલ ચાલે છે. કોઈ તેમને સ્પષ્ટ રીતે કળી ના શકે કે તે ક્યાં છે. પણ તેમનું અસ્તિત્વ ઉપરોક્ત દરેક સ્તરે હોય છે. કોઈક જગ્યાએ વધારે, તો કોઈક જગ્યાએ ઓછું.
ખોટાનો વિરોધ કરનારા બીજા પ્રકારના લોકોનું જૂથ ખૂબ નાનું છે પણ પ્રબળ છે. આ જૂથ સમાજ પર પ્રભાવ પાડી શકે છે પણ તેમની પાસે સાધનોની કમી હોય છે. સત્તા અને સ્થાપિત હિતો સામે હોવાથી તેઓને સતત મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. મહ્દ અંશે આર્થિક સંકળામણ અનુભવતા હોય છે. સામાન્ય રીતે તેમને સમાજમાંથી બહુ ઓછો સાથ મળે છે પણ તેમના વિચારોની ચોક્કસ કદર થતી હોય છે.
પહેલા અને ત્રીજા પ્રકારના લોકોની સંખ્યા સૌથી વધારે છે. તેમાં અવારનવાર આંટો મારનારા પણ ઉમેરાય છે. આજની પરિસ્થિતિ જોતાં એ સ્પષ્ટ લાગે છે છે કે આ જૂથ મોટું ને મોટું થતું જાય છે. સમાંરભો, સેમિનારો, ટ્રેઈન કે જાહેર સ્થળે થતી ચર્ચાઓ પરથી આપણને આનો ખ્યાલ આવી જાય છે. ખોટી બાબતો કે અન્યાય સામે મોં ખોલતા નથી કે ખોલવા દેતા પણ નથી.

આ બાબતનો ઉલ્લેખ ફ્રેંચ વૈજ્ઞાનિક પીયરી લેકોમ્તે દુ નોઈ (Pierre Lecomte du Nouy) એ તેમના પુસ્તક “માનવ નિયતિ” (Human Destiny)માં કર્યો છે. તેઓ જણાવે છે કે : “ભૌતિક સાધન-સુવિધાઓનો વિકાસ એ જ સાચો વિકાસ નથી. આ વિકાસને માનવસંસ્કૃતિના વિકાસ સાથે સરખાવવું એ માનવનું અપમાન છે. કારણ કે એવી વિચારણામાં માનવના ઉમદા ઉચ્ચતમ મૂલ્યોનો છેદ ઉડી જાય છે એટલું જ નહિ પણ કેવળ નિમ્નવૃત્તિઓને સંતોષવાના કહેવાતા સુખ કરતાં મૂલ્યનિષ્ઠામાંથી મળતા ઉંચ્ચતર આનંદના અધિકારનો પણ તેમાં નકાર છે”. “આર્થિક વિકાસ જરૂરી પણ માનવતાના ભોગે તો નહિ જ”.
માનવીય ગૌરવ, મૂલ્યો કે સિધ્ધાંતો સર્વોચ્ચ સ્થાને રાખીને આપણે માનવ ઉત્ક્રાંતિનો સાચો રાહ પકડવાની “પસંદગી” કરવી પડશે, માનવતા અને નૈતિક મૂલ્યો માટે “સ્ટેન્ડ” લેવું પડશે. મીડિયા કે મૂલ્યનિષ્ઠ લોકોએ હંમેશાં વિરોધ પક્ષની ભૂમિકા ભજવવી જોઈએ.

No comments:

Post a Comment